ગાંધીનગરઃ પરસોત્તમ રુપાલા અને રાજપુત સમાજ વચ્ચેનો વિવાદ વકરતો જ જાય છે. આ વિવાદમાં રોજ નવો વળાંક આવે છે. આજે આ વિવાદમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે રાજપુત સમાજના હૈયે ઘા વાગ્યો છે અને ભાજપ રાજકોટ બેઠકના ઉમેદવાર બદલે તેવું કહ્યું છે.
સ્વામાન ગીરવે ન મુકાયઃ શંકર સિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજના કલેજા પર ચોટ લાગી છે. રાજકારણમાં સ્વમાન ગીરવે મૂકવાનું ન હોય. બીજેપી હાઈકમાન્ડ વહેલી તકે ઉમેદવાર બદલવા અંગે નિર્ણય નહીં લે તો આ ચિન્ગારી ક્યાં જશે તે નક્કી નથી. જે સ્થિતિ ઉત્પન્ન થાય તે માટે ભાજપ સરકાર જવાબદાર છે. ક્ષત્રિય સમાજની માંગને ભાજપ સ્વીકારે. ભાજપ જલ્દીથી નિર્ણય નહીં કરે તો સ્થિતિ વકરશે. ચૂંટણીમાં રાજકીય ફાયદા માટે કોઈપણ સમાજનું અપમાન યોગ્ય નથી. ઉમેદવાર નહીં બદલાય તો રૂપાલાના નિવેદનને ભાજપનું સમર્થન ગણવામાં આવશે. જાહેર જીવનમાં બોલતા પહેલા ધ્યાન રાખવું પડે.
ગુજરાતમાં ભાજપનો ઉદય થયો ત્યારે કલ્ચર આવું ન હતુંઃ વધુમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે દેશની લોકશાહીના પ્રેણેતા રજવાડા છે. તેમણે દેશમાં ભળવાની અનુમતિ ન આપી હોત તો આજે ભારતમાં લોકશાહી ના હોત. રજવાડાઓ માટે હલકી વાત કરવી ભાજપને શોભા દેતું નથી. જનસંઘનો પાયો રાજકોટમાં નખાયો હતો. જનસંઘે "પક્ષ"નું સામાજિક સમીકરણ બનાવ્યું હતું. પક્ષ એટલે પાટીદાર અને ક્ષત્રિય. કેશુભાઈ પટેલ પાટીદાર આગેવાન હતા અને હું ક્ષત્રિય આગેવાન હતો. જે સમીકરણ છે ગુજરાતમાં ભાજપનો ઉદય થયો તે કલ્ચર આવું ન હતું.
સરકાર દાઝ્યા પર ડામ ન દેઃ દ્રૌપદીના એક વાક્ય પર મહાભારતનું યુદ્ધ થયું હતું. સરકારે દાઝ્યા પર ડામ ન દેવો જોઈએ. બે ઉમેદવાર બદલ્યા તો રૂપાલા કેમ નહીં. આ લડાઈ ભાજપ અને પટેલ સમાજ સામે નથી. સહન શક્તિની એક મર્યાદા હોય છે. ભાજપે વહેલી તકે નિર્ણય કરવો જોઈએ. કોઈપણ વ્યક્તિ બેન-દિકરીનું અપમાન સહન કરી શકે નહીં. ક્ષત્રિય સમાજ સામે કાર્યવાહી થઈ તો હું આવીશ. ક્ષત્રિય સમાજની સાથે હું ઉભો રહીશ.
હાર જીતનો મુદ્દો નથીઃ શંકર સિંહ વાઘેલાએ કહ્યું હતું કે રૂપાલાના વિવાદમાં હાર-જીતનો મુદ્દો જ નથી. રૂપાલા ખોટું બોલ્યા છે, ઉમેદવાર બદલાવા જ જોઈએ. ક્ષત્રિય સમાજને તમામ સમાજનું સમર્થન છે. ભાજપમાં સમજણ હોય તો ઉમેદવાર બદલાવે. સમાજને સમર્થન કરવામાં શરમ ન હોય. ક્ષત્રિય સમાજની માંગને ભાજપ સ્વીકારે. જો ભાજપ જલ્દીથી નિર્ણય નહીં કરે તો સ્થિતિ વકરશે. આ એવો મુદ્દો છે કે ગુજરાત અવળા રસ્તે ચડે તો ભડકે બળશે.
ગુજરાત ભડકે બળે એવી સંભાવનાઃ સરકાર ક્ષત્રિય સમાજની બહેનો પર અત્યાચાર કરી રહી છે. ક્ષત્રિય સમાજની બહેનો પર પોલીસ કેસ કરવામાં આવ્યા છે. મણીપુરમાં બહેનો પર અત્યાચાર કરવામાં આવ્યા છે. ક્ષત્રિય બહેનો પર અત્યાચાર થશે તો ગુજરાત ભડકે બળે એવી સંભાવના શંકર સિંહે વ્યક્ત કરી છે. આ પટેલ અને ક્ષત્રિય સમાજની લડાઈ નથી. ભાજપે ઉમેદવારને બદલવો જોઈએ. ભાજપની માનસિકતા ક્ષત્રિય વિરોધી થતી જાય છે. ભાજપે 2019 અને 2024 માં એક પણ ક્ષત્રિય ઉમેદવાર લોકસભામાં મોકલ્યો નથી. રાજસ્થાનમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને પણ હટાવ્યા છે. અમે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ભારત રત્ન આપવાની માંગણી કરી છે. અમારે માંગણી સ્વીકારવામાં આવી નથી.
સમાજના ભોગે રાજકારણ ન થવું જોઈએઃ શંકર સિંહ વાઘેલાએ ભાજપ હાઈકમાન્ડ પર પર આકરા વાકપ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રશ્ન ભાજપ અને કોંગ્રેસનો નથી. ક્ષત્રિય સમાજનો છે. સમાજના ભોગે રાજકારણ ન થવું જોઈએ. ભાજપ હાઈકમાન્ડને આ બધું મંજૂર છે. સરકારના ઈશારે પોલીસે બહેનોને અરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત સરકાર માટે આ સમજદારીની નિશાની નથી. ભાજપ સરકાર એવા ઝેરના રોપા રોપવા માંગે છે કે સમાજ કાયમ માટે તેનું ઝેર પીધા કરે. આ મુદ્દે ભાજપ હાઈ કમાન્ડે ત્વરિત ઉમેદવાર બદલવાનો નિર્ણય લેવા જોઈએ. અન્યથા આ ચિન્ગારી ક્યાં જાય તેની માટે ભાજપ જવાબદાર છે.