સુરતઃ નીલેશ કુંભાણીના ટેકેદારોએ સહી પોતાની નહી હોવાનું જણાવતા નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. તેમજ અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લેતા સુરતની લોકસભા બેઠક બિનહરીફ થઈ છે. ભાજપ બિનહરીફ થતાં તેના ઉમેદવાર આ બેઠક પર ચૂંટણી લડ્યા વિના જીતી ગયા છે. તેથી કોંગ્રેસ કાર્યકર અશોક પીંપળેએ પોતાના મતાધિકાર છીનવાઈ જવાના આરોપસર નિલેશ કુંભાણી, તેના ટેકેદારો અને સુરત કલેક્ટર વિરુદ્ધ પોલીસ કમિશ્નરને અરજી આપી છે.
નિલેશ કુંભાણીનો વિરોધઃ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ સુરતમાં તેમનો વિરોધ પણ થયો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેનરો સાથે આ ઉપરાંત તેમના ઘર બહાર વિરોધ પણ નોંધાવ્યો હતો. હવે આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશ્નરને અરજી આપવામાં આવી છે. સુરતમાં કોંગ્રેસના કાર્યકર અશોક પીંપળેએ અરજીમાં નિલેશ કુંભાણી, ટેકેદારો રમેશ પોલરા, જગદીશ સાવલિયા, ધ્રુવિન ધામેલીયા અને સુરતના કલેકટર ડો.સૌરભ પારધીનું પણ નામ લખ્યું છે.
સત્ય બહાર લાવોઃ આ અંગે અશોક પીંપળેએ જણાવ્યું હતું કે, સુરત લોકસભામાં ઉતર વિધાનસભાનો હું મતદાર છું. મને મારા મતદાનના હક્કથી વંચિત કરવામાં આવ્યો છે. તેથી મેં આ ફરિયાદ દાખલ કરી છે. જેમાં નિલેશ કુંભાણી, તેના ટેકેદારો, ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીનો પણ ઉલ્લેખ કર્યો છે. મેં અરજીમાં લખ્યું છે કે આ લોકોની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવે અને જે લાગતા વળગતા ગુનેગારોના નામ બહાર આવે. તેમજ સત્ય પ્રજાની સમક્ષ લાવવામાં આવે.
FIRની માંગઃ આ અંગે એડવોકેટ ઝમીર શેખે જણાવ્યું હતું કે, અશોક પીંપળેએ આજે લેખિત ફરિયાદ આપી છે. ફરિયાદમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવાનું જે કારણ આપવામાં આવ્યું તે ખરેખર ખોટી હકીકત છે. જેના લીધે આ ફરિયાદ કરવામાં આવી છે. પ્રોપર હોમવર્ક કરીને પ્રોપર એપ્લિકેશન ઓફ માઈન્ડથી આ ફરિયાદ કરવામાં આવી છે કે આ ફરિયાદને FIRમાં કન્વર્ટ કરવામાં આવે.
ગાઈડલાઇન મુજબ કાર્યવાહી થશેઃ જ્યારે આ સમગ્ર મામલે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, જે પણ ફરિયાદ થઈ છે તે અંગેની તપાસ ચાલુ છે. આગળના સમયમાં જે ચૂંટણી પંચ તરફથી ગાઈડલાઈન મળશે તે અનુસાર કાર્યવાહી થશે.