નવસારીઃ લોકસભા ચુંટણીમાં નવસારી લોકસભા બેઠક(25) પર ભાજપે પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ સામે કૉંગ્રેસ હજૂ ઉમેદવાર નક્કી કરી શકી નથી. સી. આર. પાટીલ વિરુદ્ધ કયો કૉંગ્રેસી ઉમેદવાર ચૂંટણી જંગ લડશે તેને લઈને અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. આ સમયે કૉંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. એહમદ પટેલની દીકરી મુમતાજ પટેલની નવસારી લોકસભા બેઠક ઉપર પસંદગી થાય એવી ચર્ચાઓ ઉઠતા જ નવસારી અને સુરત કૉંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મુંજવણમાં મુકાયા છે. અત્યારે કૉંગ્રેસી આગેવાનોની નવસારીમાં બેઠક પર બેઠકો ચાલી રહી છે.
આડકતરા સંકેતઃ મુમતાજ પટેલ નવસારી લોકસભાની ચૂંટણી ન લડે એવા પ્રયાસો પણ શરૂ થયા છે. આ મુદ્દે નવસારી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે આડકતરા સંકેત આપ્યો છે. શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, મુમતાજ પટેલ સામે ઉજ્જવળ ભવિષ્ય છે. અહીંથી ચૂંટણી લડવી તેના વિશે તેમણે વિચારવાનું છે. આગળ પાર્ટી રાષ્ટ્રીય લેવલે તેમને જવાબદારી આપી શકે છે. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના દિલ્હીના મોવડી મંડળને પણ સ્થાનિક સંગઠનના જ મજબૂત માણસ નવસારીથી ચૂંટણી લડે તેવી રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં જો મુમતાજ પટેલને ટિકિટ આપવામાં આવે તો ખભેથી ખભે મીલાવીને અમે સી.આર.પાટીલ વિરુદ્ધ મજબૂતીથી લડીશું.
શૈલેષ પટેલનું નામ પણ ચર્ચામાંઃ નવસારી લોકસભા બેઠક પર કૉંગ્રેસ તરફથી જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ ચૂંટણી જંગમાં ઉતરી શકે તેવી ચર્ચાઓ પણ સંભળાઈ રહી છે. આ મુદ્દે શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, પાર્ટી જે આદેશ આપે એને માન્ય રાખીશું, પાર્ટી જે ઉમેદવાર નક્કી કરે તેને જીતાડવા અમે ખભેથી ખભા મીલાવી લડીશું.
ભરુચ લોકસભા બેઠકઃ સ્વ.અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલે ભરૂચ બેઠક પરથી ટિકિટની માંગણી કરી હતી. જો કે ઈન્ડિયા ગઠબંધન દ્વારા નક્કી થયા મુજબ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી છે. તેથી કૉંગ્રેસ મોવડી મંડળ મુમતાજ પટેલને નવસારી બેઠક પરથી ટિકિટ આપી શકે છે.