નવસારીઃ વાંસદાના ગાંધી મેદાન ખાતે ભાજપની વિજય સંકલ્પ સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જન મેદની સંબોધતા ઈન્ડિયા ગઠબંધન અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસ પાર્ટીને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી હતી. દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટા પરના અમિત શાહના પ્રવાસને પગલે રાજકીય સમીકરણમાં ફેરફારની શક્યતાઓને નકારી શકાય નહીં.
વિજય સંકલ્પ સભાઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નવસારી જિલ્લાની મુલાકાત આવ્યા હતા. તેમણે વાંસદામાં ગાંધી મેદાન ખાતે વિજય સંકલ્પ સભાને સંબોધી હતી. વલસાડ લોકસભા મતવિસ્તારના ઉમેદવાર ધવલ પટેલ માટે પ્રચાર કર્યો હતો. તેમણે પોતાના વક્તવ્ય દરમિયાન કોંગ્રેસ એટલે જુઠ્ઠા નું કારખાનું અને આદિવાસીઓના અનામતના હક્કો છીનવનાર ગણાવી હતી. દક્ષિણ ગુજરાતની નવસારી, બારડોલી અને વલસાડ લોકસભા બેઠક માટે અમિત શાહની જાહેર સભા મહત્વની બની રહેશે.
કોંગ્રેસ પર આકરા વાકપ્રહારઃ અમિત શાહે પોતાના વક્તવ્યમાં કોંગ્રેસ પર આકરા વાકપ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં 4 અને 5 ટકા જેટલી મુસ્લિમ અનામત આપીને કોંગ્રેસ તૃષ્ટિકરણનું રાજકારણ કરી રહ્યું છે. ઈન્ડી ગઠબંધનમાં કદાચ જો જીતી જાય તો વડાપ્રધાન કોણ??? એવો મુદ્દો ઉપસ્થિત કરીને ઈન્ડી ગઠબંધનને પણ આડે હાથ લીધું હતું. 70-70 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીએ અયોધ્યામાં રામ મંદિરને લટકતું રાખ્યું જ્યારે અમે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યુ છે.
આદિવાસીઓ માટે વડાપ્રધાન મોદીએ આવાસ, શૌચાલય, એલપીજી ગેસ, આરોગ્ય સેવાઓ વિષયક અનેક યોજનાઓ બહાર પાડી અને તેના લાભો આદિવાસીઓને પૂરા પાડ્યા છે. આદિવાસી ખેડૂતોને જે 6000 રુપિયા સરકાર તરફથી મળે છે તેનાથી તેઓ બહુ ખુશ છે. તેથી આદિવાસી મતદાતાઓ ભાજપને પૂર્ણ સમર્થન આપી રહ્યા છે...ધવલ પટેલ(વલસાડ લોકસભા બેઠક, ભાજપ ઉમેદવાર)