કચ્છ: વિનોદ ચાવડાએ 2014 અને પછી 2019ની લોકસભામાં ચૂંટણી લડી હતી અને શાનદાર જીત મેળવી હતી. ત્યારે તેમને ફરી એક વાર તક આપી છે. કચ્છ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પર બે ટર્મથી કચ્છના સાંસદ રહેલા વિનોદ ચાવડાએ ફોર્મ ભરતા પહલા રોડ શો યોજ્યો હતો. પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં રોડ શો યોજાયો હતો. ભૂજના જૂના ભાજપ કાર્યાલયથી ભૂજ લેઉવા પટેલ હોસ્પિટલની સામેના ગ્રાઉન્ડમાં જાહેર સભાના સ્થળ સુધી રોડ શો યોજાયો હતો.
આ રોડ શોમાં ગુજરાતી કલાકારોએ હાજરી આપી: આ રોડ શોમાં કચ્છ મોરબી લોકસભા બેઠકના વિસ્તારની 7 વિધાનસભા બેઠકના ધારાસભ્યો પણ જોડાયા હતા. મોટી સંખ્યામાં કચ્છ અને મોરબીના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. આ રોડ શોમાં કચ્છી કોયલ ગીતા રબારી, ગાયક ઉમેશ બારોટ અને લોકસાહિત્યકાર પિયુષ ગઢવી પણ રોડ શોમાં જોડાયા હતા.
જાહેર માર્ગો પર ઠેર ઠેર કેસરિયો રંગ જોવા મળ્યો: આ રોડ શોમાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ પુષ્પવર્ષા મારફતે વિનોદ ચાવડાને શુભકામના પાઠવવામાં આવી હતી. ભુજના જાહેર માર્ગો પર ઠેર ઠેર કેસરિયો રંગ જોવા મળ્યો હતો. આ રોડ શોમાં કચ્છ ભાજપના પ્રભારી, રાજ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયા પણ જોડાયા હતા. આ રોડ શો બાદ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં જાહેર સભા યોજાયા બાદ વિનોદ ચાવડા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે.