જૂનાગઢઃ આવતી કાલે જૂનાગઢ લોકસભા સંસદીય મત વિસ્તારમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. મતદાન પ્રક્રિયા બિલકુલ શાંતિપૂર્ણ રીતે અને સુચારુ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે જૂનાગઢના ચૂંટણી અધિકારી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
કુલ 17, 95,110 મતદારોઃ જૂનાગઢ લોકસભા સંસદીય મત વિસ્તારમાં કુલ 1847 મતદાન મથકો પર કર્મચારી અને અધિકારીઓ ઈવીએમ વીવીપેટ સહિત તમામ ચૂંટણીલક્ષી સાહિત્ય અને સામગ્રી સાથે પહોંચી ગયા છે. મતદાનમાં કોઈ પણ પ્રકારની ચૂક કે ખામી ન રહી જાય તે માટે વિશેષ આયોજન પણ કરાયું છે. આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે મતદાન મથકમાં કામ કરતાં કર્મચારી અને અધિકારીઓની કેટલીક ટીમોને અવેજીના ભાગરૂપે સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે જે અનિવાર્ય સંજોગોમાં કોઈ પણ મતદાન મથકમાં સમય બગાડ્યા વગર મતદાન પ્રક્રિયાને આગળ ધપાવી શકે. જૂનાગઢ લોકસભા બેઠક પર 17, 95,110 મતદારો મતદાન કરશે. જે પૈકી 8,76,683 મહિલા અને 9,18,402 જેટલા પુરુષ અને 25 જેટલા અન્ય જાતિના મતદારો નોંધાયા છે.
42,426 મતદારો પ્રથમવાર મતદાન કરશેઃ વધુમાં જૂનાગઢ સંસદીય લોકસભા મતવિસ્તારમાં પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા કુલ 42,426 જેટલા યુવા મતદારો પણ નોંધાયા છે. જેઓ જીવનમાં પ્રથમ વખત આવતી કાલે કોઈ પણ ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહ્યા છે. આ સિવાય જૂનાગઢ સંસદીય મત વિસ્તારમાં કુલ 12,897 જેટલા પોસ્ટલ બેલેટથી પણ મતદાન થઈ ચૂક્યું છે. 85 વર્ષ કે તેથી વધુ આયુ ધરાવતા કુલ 881 જેટલા મતદારો નોંધાયા છે જે પૈકીના 490 જેટલા મતદારોએ ઘરેથી મતદાન કરવાની મંજૂરી માગી હતી તે પૈકીના 462 જેટલા મતદારોએ ઘરેથી મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વ માં સામેલ થયા છે.
દરેક પ્રાથમિક સુવિધાઓઃ જૂનાગઢ સંસદી મત વિસ્તારમાં આવતી કાલે મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે ત્યારે ગરમીના એલર્ટની વચ્ચે મતદાન મથકો પર તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. નાયબ ચૂંટણી અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ખાસ કરીને કોઈ પણ મતદારને તડકામાં ઊભું ન રહેવું પડે તે માટે મંડપ અને પીવાના પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પાણીની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિને ગરમીનો સ્ટોક લાગે તેવી સ્થિતિમાં મતદાન મથક પર જ તબીબી સહાય અને ઓઆરએસ પણ રાખવામાં આવ્યા છે. આ સિવાય એવા પ્રત્યેક મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરાઈ છે. જેથી ચાલી શકવા માટે અસમર્થ છે અથવા તો બીમાર મતદાતાઓને રાહત મળે. આ સિવાય જૂનાગઢ લોકસભા મત વિસ્તારના 50% મતદાન મથકો એટલે કે 929 મતદાન મથકોમાં સીસીટીવી અને વેબ કાસ્ટિંગની સુવિધા પણ ઊભી કરાઈ છે.