જુનાગઢ: જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ તેમનું નામાંકન પત્ર રજૂ કર્યું છે. જેમાં તેમની પાસે છ કરોડ કરતાં પણ વધુની સંપત્તિ હોવાનો ઉલ્લેખ કરાયો છે. પાછલા દોઢ વર્ષમાં તેમની સંપત્તિમાં એક કરોડ કરતાં વધુનો ઘટાડો થયો છે. તો બીજી તરફ મારામારી કેસમાં વેરાવળ કોર્ટમાં એક મામલો ચાલી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા ખેતી ટ્રાન્સપોર્ટ અને પેટ્રોલ પંપના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવો ઉલ્લેખ તેમના ઉમેદવારી પત્ર ભરતી વખતે રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં કરાયો છે.
કોંગ્રેસ ઉમેદવારની સંપત્તિ: જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર હીરાભાઈ જોટવાએ તેમનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. જેમાં તેમની મિલકત અભ્યાસ વાહન અને કોર્ટ સંબંધિત કિસ્સાઓનો ઉલ્લેખ એફિડેવિટમાં કરવામાં આવ્યો છે. તે મુજબ હીરાભાઈ જોટવા પાસે છ કરોડ કરતાં વધુની સંપત્તિ હોવાનો ઉલ્લેખ થયો છે. વધુમાં તેમની સંપત્તિમાં પાછલા એક વર્ષના સમયગાળા દરમિયાન એક કરોડ કરતાં વધુનો ઘટાડો નોંધાયો છે. તેમની સંપત્તિને લઈને આ વિગતો તેમના દ્વારા એફિડેવિટના ભાગરૂપે નામાંકન પત્ર સાથે રજૂ કરવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા વર્ષ 2009માં બી.એ. સ્નાતક થયા છે ત્યારબાદ તેઓ વ્યવસાય અને ખેતી સાથે સંકળાયેલા છે.
પતિપત્નીના નામે છે મિલકત: કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવા પાસે પોતાના નામે 4.52 કરોડ અને પત્નીના નામે 2.04 કરોડ મળીને કુલ 6.5 કરોડની સ્થાવર અને જંગમ મિલકત હોવાનું એફિડેવિટમાં જણાવ્યું છે. તેમના પર આજના દિવસે ૪૫ લાખ કરતાં વધુનું દેવું અને તેમની પત્ની પર પાંચ લાખ કરતાં વધારેનું દેવું હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. હીરાભાઈ જોટવા 2022માં કેશોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. ત્યારે તેમની સંયુક્ત મિલકત 07 કરોડ 82 લાખ દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ આજે તેમાં એક કરોડ કરતાં પણ વધુનો ઘટાડો થયો છે.
ખેતી અને ઉદ્યોગ સાથે સંકળાયેલા છે: હીરાભાઈ જોટવા વર્ષ 2009માં સ્નાતક થયા બાદ તેઓ તેમના પારંપરિક ખેતી વ્યવસાયની સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને પેટ્રોલ પંપના વ્યવસાય સાથે જોડાયેલા છે. વધુમાં મારામારી અને ધમકી આપવાનો એક કેસ વેરાવળ કોર્ટમાં હાલ પેન્ડિંગ છે. આ સિવાય તેમના પર કોઈ આપરાધિક ગુનો નોંધાયો નથી તેવો ઉલ્લેખ પણ તેમના એફિડેવિટમાં કરવામાં આવ્યો છે.