ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી સંદર્ભે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર મહાનગર અને ગાંધીનગર જિલ્લાની બૃહદ બેઠક અને વિસ્તારના કી-વોટર્સ સાથે સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ કાશ્મીરમાંથી કલમ 370નું નિર્મૂલન અને અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ જેવા અતિસંવેદનશીલ મુદ્દાનો સુખદ અંત આવ્યો છે.
પંડિત દીનદયાળની પ્રતિમાને પુષ્પાંજલિઃ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર મહાનગર અને ગાંધીનગર જિલ્લાની બૃહદ બેઠક અને વિસ્તારના કી- વોટર્સ સાથે સંવાદનો કાર્યક્રમ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, સેકટર ૧૨, ગાંધીનગર ખાતે યોજાઈ ગયો હતો. આ પૂર્વે મુખ્યપ્રધાને રિલાયન્સ ચાર રસ્તા, કુડાસણ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગાંધીનગર મહાનગર ભાજપા સંગઠનના વોર્ડ 9ના પ્રમુખ કમલેશ બેંકરના નિવાસસ્થાને ભાજપના સ્થાપના દિન નિમિત્તે ભાજપનો ધ્વજ લગાવ્યો હતો.
વડાપ્રધાન મોદીની ગેરંટી પર જનતાને ભરોસોઃ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગર અને ગાંધીનગર જિલ્લાની બૃહદ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કહ્યું છે તે કર્યુ છે. આજે જનતાને ફક્ત મોદીની ગેરંટી પર જ ભરોસો છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓ છેવાડાના નાગરિક સુધી પહોંચી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્માન ભારત, આવાસ યોજના, નલ સે જલ, ઉજ્જવલા યોજના, સ્વનિધિ યોજના, કિસાન સન્માન નિધિ, મુદ્રા યોજના સહિતની અનેકવિધ યોજનાઓએ નાગરિકોને સીધો લાભ પહોંચાડયો છે જેથી નાગરિકોના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે.
આતંકવાદથી દેશ સુરક્ષિત કર્યોઃ મુખ્યપ્રધાને ભાજપ સરકારની ઉપલબ્ધિઓ વર્ણવી હતી. તેમણે જણાવ્યું કે, ભાજપાની સરકારે આતંકવાદ સામે કડક વલણ દાખવી દેશને સુરક્ષિત કર્યો છે. વિકસિત ભારત 2047ની સંકલ્પનાને સાકાર કરવા ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. આજે વિકાસની રાજનીતિના કારણે ભાજપાને જનતાનું અપાર જનસમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. આજે પ્રત્યેક સમાજ અને વર્ગના નાગરિકો ભારતીય જનતા પાર્ટી સાથે છે. લોકસભા ચૂંટણીમાં જનતાના આશીર્વાદથી 'અબ કી બાર 400 પાર'નો સંકલ્પ અવશ્ય સિદ્ધ થશે.
22 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોઃ ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, અમિત શાહ પાસે દેશના ગૃહ અને સહકાર પ્રધાન તરીકેની મહત્વની જવાબદારી અને અતિ વ્યસ્તતા હોવા છતાં તેમણે ગાંધીનગર લોકસભા વિસ્તારની વિશેષ ચિંતા કરી છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં 22 હજાર કરોડથી વધુના વિકાસકાર્યો થયા છે. અમિતભાઈના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા વિસ્તાર દેશના સૌથી વધુ વિકસિત ક્ષેત્ર બનવા તરફ અગ્રેસર બન્યું છે. ભુપેન્દ્ર પટેલે આગામી ચુંટણીમાં મહત્તમ મતદાન થકી ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઈને વિક્રમી સરસાઈ સાથે પ્રચંડ વિજય અપાવવા આહ્વાન કર્યું હતું.