ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીનું મતદાન 7મી મેના રોજ થવાનું છે ત્યારે ગુજરાતની સૌથી હાઈપ્રોફાઈલ બેઠક એવી ગાંધીનગર પર સૌ કોઈની નજર છે. આજે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી આ બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપના અમિત શાહ, કોંગ્રેસના સોનલ પટેલ સિવાય અન્ય 12 એટલે કે કુલ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
અમિત શાહને કોણ કોણ આપશે ટક્કર?: ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપે અમિત શાહને જ્યારે કોંગ્રેસે સોનલ પટેલને મેદાને ઉતાર્યા છે. જો અમિત શાહ સાથે ટક્કરની વાત કરવામાં આવે તો આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સિવાય બહુજન સમાજ પાર્ટીમાંથી મોહમ્મદ અનશી દેસાઈ, ઈન્સાનિયત પાર્ટીમાંથી ઠાકોર જીતેન્દ્રસિંહ, પ્રજાતંત્ર આધાર પાર્ટીના મૌર્ય સુમિત્રા દેવનારાયણ, રાઈટ ટુ રીકોલ પાર્ટીના રાહુલ મહેતા અને અપક્ષમાંથી કુલ 8 ઉમેદવારોનો સમાવેશ થયા છે.
ગુજરાતની હાઈ પ્રોફાઈલ લોકસભા બેઠકઃ ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, વેજલપુર, ઘાટલોડિયા, નારણપુરા, અને સાબરમતી વિધાનસભા બેઠકનો ગાંધીનગર લોકસભામાં સમાવેશ થાય છે. આજે ગાંધીનગર સંસદીય મત વિસ્તારનામાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોનુ ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ફોર્મ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 14 ઉમેદવારોના ફોર્મ માન્ય કરાતા ગુજરાતની સૌથી હાઈપ્રોફાઈલ બેઠક એવી ગાંધીનગર બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપના અમિત શાહ, કોંગ્રેસના સોનલ પટેલ સિવાય અન્ય 12 એટલે કે કુલ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.