દમણ: ગુજરાત સાથે દાદરા નગર હવેલી અને દમણ દીવની 2 લોકસભા બેઠક પર પણ 7મેના રોજ મતદાન થવાનું છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદારો મતદાન કરી શકે તે માટે ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જે અંગે દાદરા નગર હવેલી અને દમણ દીવના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.અરુણ ટીએ પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપી હતી.
કુલ 4,17,236 મતદારોઃ દાદરા નગર હવેલી અને દમણ દીવના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. અરુણ ટીએ જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાં 2 લોકસભા બેઠકો છે. જેમાં કુલ 4,17,236 મતદારો છે. દમણ માં 50,900 પુરુષ અને 46,262 સ્ત્રીઓ મળી કુલ 97,172 મતદારો છે. દીવ માં 16,748 પુરુષ અને 20,229 સ્ત્રી મતદારો મળી કુલ 37029 મતદારો છે. આ બન્ને જિલ્લા એક જ લોકસભા બેઠક પર આવતા હોય દમણ દીવ લોકસભા બેઠક પર કુલ 1,34,201 મતદારો છે. દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર 1,48,095 પુરુષ અને 1,34,929 સ્ત્રી મતદારો મળી કુલ 2,83,035 મતદારો નોંધાયા છે. દમણમાં 17 પોલિંગ બુથ ક્રિટિકલ છે. 11 સંવેદનશીલ છે. દિવમાં એકપણ પોલિંગ બુથ ક્રિટિકલ કે સંવેદનશીલ નથી. દાદરા નગર હવેલી બેઠક પર 15 ક્રિટિકલ પોલિંગ બુથ છે. 11 સંવેદનશીલ પોલિંગ બુથ છે. બન્ને બેઠક પર કુલ 13 ઓકઝીલરી પોલિંગ બુથ, 32 ક્રિટિકલ પોલિંગ બુથ અને 30 સંવેદનશીલ પોલિંગ બુથ છે.
હીટવેવ સંદર્ભે તૈયારીઃ ગરમીને ધ્યાને રાખી દરેક પોલિંગ બુથ પર વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. એ ઉપરાંત મતદારો વિના સંકોચે મતદાન કરી શકે ગરમીથી બચી શકે એ માટે ટેન્ટની વ્યવસ્થા, પૂરતા ઉજાશ અને લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. મતદારો માટે પીવાના પાણીની, ટોયલેટની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. મેડિકલ ટીમ, મેડિકલ કીટ, જરૂરિયાતમંદ માટે વ્હીલચેર, રેમ્પ, સ્ટ્રેચરની વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ વોર રુમઃ દાદરા નગર હવેલી અને દમણ દીવના કુલ 459 મતદાન મથકો પર થતી ગતિવિધિ Live નિહાળી શકાય એ માટે ખાસ વોર રૂમ બનાવવામાં આવ્યો છે. દરેક પોલિંગ બુથ પર વેબકાસ્ટિંગ ની સુવિધા ઉભી કરી તેની ફીડ પર વૉર રૂમ માં તૈનાત સ્ટાફ સતત નજર રાખશે. જે તમામ ગતિવિધિ ની જાણકારી મેળવતા રહેશે. દમણ દીવ લોકસભા બેઠક પર નોંધાયેલ મતદાનની ટકાવારી ની વિગતો જોઈએ તો 2019માં દમણમાં 61038 મતદારોએ મતદાન કરતા 73.10 ટકા મતદાન નોંધાયું હતું. દિવમાં 26405 મતદારોએ મતદાન કરતા 69.07 ટકા મતદાન નોંધાયું હતું.