મહેસાણાઃ અત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે. દરેક રાજકીય પક્ષના નેતાઓ પોતાના પક્ષ અને ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં કરી રહ્યા છે. આ પ્રચારમાં સામેવાળા પક્ષ પર આક્ષેપબાજી પણ થઈ રહી છે. કોંગ્રેસના મુકુલ વાસનિકે ભાજપના રુપાલાના વિવાદાસ્પદ નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તેમણે રાહુલ ગાંધીના નિવેદન સાથે રુપાલાના નિવેદનની સરખામણીને ગેરવ્યાજબી ઠેરવી છે.
મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટનઃ કોંગ્રેસે મહેસાણામાં લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય શરુ કર્યુ છે. આ કાર્યાલયનું ઉદ્દઘાટન કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકે કર્યુ છે. તેમણે આ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે કોંગ્રેસને મત આપવાની અપીલ કરતા જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં કોંગ્રેસ તરફી વાતાવરણ છે. જે 2 તબક્કામાં મતદાન થયું છે તેમાં કોંગ્રેસને ભવ્ય જીત મળશે. મુકુલ વાસનિકે મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર માટે પ્રચાર પણ કર્યો હતો. જગદીશ ઠાકોર જેવા ગુજરાત કોંગ્રેસ અગ્રણી આ પ્રસંગે જોડાયા હતા.
ભાજપ પર વાકપ્રહારઃ મહેસાણામાં લોકસભા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકે કર્યુ છે. આ પ્રસંગે મુકુલ વાસનિકે ભાજપ પર આકરા વાકપ્રહાર કર્યા છે. મુકુલ વાસનિકે જણાવ્યું છે કે,વર્ષ 2014 અને 2019માં ભાજપે કરેલા એક પણ વચનો પૂરા નથી કર્યા. હાહાકાર મચી ગયો છે. મોંઘવારી આસમાને પહોંચી છે. ખેડૂતોને રાહત નથી. યુવાનો પરેશાન છે. સમાજનો દરેક વર્ગ પરેશાન છે. નવસારી અને વલસાડ ક્ષેત્રમાં કે જ્યાં પ્રિયંકાજી આવ્યા હતા ત્યાં મોટી સંખ્યામાં જન સમુદાય જોડાયો હતો . ભાજપે સરકાર છોડવી પડશે અને ઈન્ડિયા ગઠબંધનને સફળતા મળશે.
રુપાલાના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે ટિપ્પણીઃ ગુજરાત રાજકારણમાં રુપાલા વિવાદાસ્પદ નિવેદન મોટો મુદ્દો છે. આ મુદ્દે સવાલ કરાતા મુકુલ વાસનિકે જણાવ્યું છે કે,રૂપાલાનું નિવેદન એ દુર્ભાગ્યપૂર્ણ નિવેદન છે. ચૂંટણી આવે એટલે ભાજપ આવા ગતકડા કરે છે. ભાજપ સામાજિક ધ્રુવીકરણ અપનાવીને ચૂંટણી જીતવાનું કામ કરે છે. રાહુલ ગાંધીના નિવેદન અને રુપાલાના નિવેદનની સરખામણી કરી શકાય નહીં.