છોટા ઉદેપુર: અત્યારે સમગ્ર ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે. રાજકીય પક્ષો અને ઉમેદવારોના સમય પત્રક ચૂંટણી પ્રચારથી વ્યસ્ત છે. છોટા ઉદેપુર લોકસભા બેઠકના સંસદીય મત વિસ્તારના અતિ આંતરિયાળ એવા ડુંગરાળ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી.
ચૈતર વસાવાનો ઓડિયો મેસેજઃ કડુલી મહુડી ગામે યોજાયેલ જાહેર સભામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, ડૉ. પ્રફુલ વસાવા, પ્રો. અર્જુન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના સુખરામ રાઠવાને જંગી મતોથી જીતાડવા આહવાહન કર્યુ હતું. આ જાહેર સભાને સંબોધવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા ઉપસ્થિત રહેવાના હતાં પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તેઓ ઉપસ્થિત રહ્યા ન હતાં. ચૈતર વસાવાને જોવા અને સાંભળવા મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. ચૈતર વસાવાનો ઓડિયો મેસેજ ઉપસ્થિત લોકોને સંભળાવવામાં આવ્યો હતો.
જગદીશ ઠાકોરના વાકપ્રહારઃ આજે નસવાડીના કડુલી મહુડી ગામે યોજાયેલ જનસભામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ પર આકાર વાકપ્રહાર કર્યા હતા. જગદીશ ઠાકોર જણાવ્યું હતું કે, તમારા છોકરાઓને તલવાર, ત્રિશૂળ, તીર આપીને લડાવશે જ્યારે અમિત શાહનો છોકરો ક્રિકેટમાં લાખો રૂપિયા કમાશે. ભાજપ સરકાર બંધારણ ખતમ કરવા માગે છે. જે આપણે થવા દેવાનું નથી. આ સરકાર એક સમાજ સાથે બીજા સમાજને લડાવી અને પોતે સત્તા મેળવી અને આદિવાસીઓની જમીન છીનવીને ઉદ્યોગપતિઓને આપવમાં માંગે છે.