ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપે રાજ્યની તમામ 26 બેઠક પર પોતાના ઉમેદાવારો જાહેર કરી દીધા છે, પરંતુ સાબરકાંઠા બેઠક પર ભાજપને કકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. આ બેઠક પર પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. જો કે તેમણે ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા ભાજપે નવા ઉમેદવાર શોભના બારૈયાને જાહેર કર્યા છે. શોભના બારૈયાનો સાબરકાંઠામાં વિરોધ શરૂ થયો છે. ભીખાજી ઠાકોરે પણ ઉત્પાત મચાવ્યો છે. જો કે કમલમ ખાતે સી આર પાટીલ સાથેની બેઠક બાદ ભીખાજી ઠાકોર નરમ પડ્યા છે.
આયાતી ઉમેદવારથી નારાજગીઃ કમલમ ખાતે આવી પહોંચેલા ભીખાજી ઠાકોરે આ મામલે મીડિયા સામે બળાપો વ્યક્ત કર્યો હતો. ભીખાજીએ ભાજપે જાહેર કરેલ સાબરકાંઠા લોકસભાના ઉમેદવારને લઈને નારાજગી દર્શાવી હતી. તેમણે કહ્યું કે, વર્તમાન ઉમેદવાર શોભના બારૈયા આયાતી ઉમેદવાર છે. અમારા વિસ્તારમાં ભારે આક્રોશ છે. કૉંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટીકીટ અપાય તે અંગે ભાજપ કાર્યકરોમાં નારાજગી છે. પાયાના કાર્યકર્તાઓને છોડીને આયાતી ઉમેદવારને પસંદગી કરવામાં આવી છે. શોભના બારૈયા તો ભાજપના પ્રાથમિક સભ્ય પણ નથી.
પાટીલ સાથે મીટિંગ બાદ સુર બદલ્યોઃ ભીખાજી ઠાકોરને ભાજપના નેતાઓ દ્વારા સમજાવવામાં આવ્યા હતા. તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી. સી.આર. પાટીલ સાથે મુલાકાત બાદ ભીખાજી ઠાકોર નરમ પડ્યા હતા. બાદમાં તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હું પાર્ટીની સાથે જ છું અને પાર્ટીનો નિર્ણય સર્વ માન્ય છે. જે કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તે જો મારા સમર્થકો હશે તો હું તેમને ચોક્કસ સમજાવીશ કે વિરોધ પ્રદર્શન ન કરે.
ભીખાજી ઠાકોરની અટક અંગે વિવાદઃ સાબરકાંઠા પૂર્વ ઉમેદવાર ભીખાજી ઠાકોરની અટકને લઈને વિવાદ થયો હતો. શું ભીખાજી ઠાકોર છે કે ડામોર? ભીખાજીનાં દશેરાનાં દિવસે તીરકામઠાની પૂજા કરતા ફોટો સામે આવ્યા હતા. ભીખાજી ઠાકોર હોય તો તીર કામઠાની પૂજા કેમ કરી તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી. ભીખાજી ડામોર નામની અરવલ્લી જિલ્લા મહામંત્રીની પોસ્ટ વાયરલ થઈ હતી.