રાજકોટઃ ભાજપની ટિકિટ પર લોકસભાની રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદસ્પદ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રૂપાલા વિરુદ્ધ જુવાળ ફાટી નીકળ્યો છે. આ જુવાળની અગનજ્વાળાઓ આજે રાજકોટનાં પશ્ચિમ વિસ્તારમાં કેકેવી હોલથી ઈન્દિરા ચોક વચ્ચે લાગેલા "રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ" વાળી ટેગલાઈન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રૂપાલાની તસ્વીરોવાળા એક હોર્ડિંગ્સ પર રૂપાલાના ચહેરા પર શાહી છાંટવામાં આવી છે.
ક્ષત્રિય સમાજનો વિરોધ ઉગ્રઃ ભારત અને ગુજરાતનો સમગ્ર ક્ષત્રિય સમાજ જ્યારે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ગુજરાત અને સમગ્ર ભારતમાં ઠેરઠેર જગ્યાઓ પર તંત્રને આવેદનપત્ર આપી રહ્યા છે, એવામાં રાજકોટમાં લાગેલા હોર્ડિંગ્સ પરની આ વિરોધની ચેસ્ટા ઘણું સૂચવી જાય છે, કે આવનારા દિવસોમાં જ્યારે રાજકોટ ખાતે ક્ષત્રિય મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે તે કહેવું મુશ્કેલ છે.
રુપાલાનો ડોર ટુ ડોર પ્રચારઃ ક્ષત્રિય સમાજનાં આ વિરોધ વચ્ચે પણ રૂપાલા રાજકોટ ખાતે તેમનો પ્રચાર-પ્રસાર જોરશોરથી અને ડેલીએ ડેલીએ - ઘેરઘેર જઈને કરી રહ્યા છે. સૌરાષ્ટ્રનાં ભાવનગર, કચ્છ, રાજકોટ અને જામનગર સહીતનાં અનેક રાજવી પરિવારોએ પણ આ સમગ્ર ક્ષત્રિય આંદોલનને જ્યારે તેમનો ટેકો જાહેર કર્યો છે, ત્યારે આવનારા દિવસોમાં રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનો આ વિરોધ શમી જશે અને ઘીનાં ઠામમાં ઘી પડી જશે કે પછી ઠામમાં પડેલું ઘી આ રાજકીય ગરમીમાં વધુ ઓગળીને રેલાઈ કે ઢોળાઈ જઈને રૂપાલાનો માર્ગ વધુ ચીકાશવાળો અને પડકારોવાળો કરી દેશે તેજ જોવું રહ્યું.