ભાવનગરઃ પરષોત્તમભાઈ સોલંકી બાદ કોળી સમાજના અગ્રણી નેતા રાજુભાઈ સોલંકી ગણાય છે. જો કે 2024ની લોકસભા ચૂંટણીમાં પરષોત્તમભાઈ સોલંકી પ્રચારમાં જોડાયા નથી ત્યારે રાજુભાઈ સોલંકીને કોળી સમાજમાં પ્રભુત્વ જમાવવા માટે ઉત્તમ તક મળી છે. આ સંજોગોમાં ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં રાજુભાઈએ શું કહ્યું જાણો.
ETV BHARAT: ભાવનગર લોકસભા બેઠક વિસ્તારમાં પરષોત્તમભાઈ સોલંકી કોળી સમાજના અગ્રણી નેતા છે, તમે પણ ઊભરીને આવ્યા છો. જો કે આપનો પક્ષ અલગ છે ત્યારે મતદારોને આકર્ષવામાં કઈ રીતે સફળ રહેશો અને હાલની પરિસ્થિતિ શું છે ?
રાજુભાઈ સોલંકીઃ ખાસ કરીને આ લોકસભા બેઠક ઉપર કોળી સમાજનું સૌથી વધારે પ્રભુત્વ છે. સૌથી વધારે વસ્તી કોળી સમાજની છે. છેલ્લા 30 વર્ષથી કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી રહ્યો હતો. કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે ભાવનગરની અંદર આ વખતે કોળી સમાજના લોકો જાગૃત થઈ ગયા છે, સમાજના લોકોને ખબર પડી ગઈ છે કે છેલ્લા 30 વર્ષથી કોળી સમાજ ખૂબ પછાતપણામાં જીવી રહ્યો છે. કોળી સમાજને આજીવિકાનો પ્રશ્ન છે. કોળી સમાજના ખેડૂતોને ખેતીમાં ટેકાના ભાવ મળતા નથી. બિયારણ ખાતર ખૂબ મોંઘા થઈ ગયા છે. આ સિવાય કોળી સમાજના યુવાનોને શિક્ષણ, આજીવિકાનો પ્રશ્ન છે. આવા અનેક પ્રશ્નો અને ખાસ કરીને કોળી સમાજની આ દરિયાઈ પટ્ટી છે. એમાં ખૂબ મોટો કોળી સમાજ વસવાટ કરી રહ્યો છે અને પછાતપણાની જેમ જીવી રહ્યો છે ત્યારે આ 30 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટીએ કોળી સમાજ માટે કશું કર્યું નથી. કોળી સમાજના લોકોને આ વખતે ખૂબ જ જાગૃત થઈ અને બદલાવી ઇચ્છી રહ્યા છે પરિવર્તન ઇચ્છી રહ્યા છે.
ETV BHARAT: તમે ઘણા સમયથી છો અને પરષોત્તમભાઈ પણ છે પરંતુ આ વખતે એક નવીન વાત એ છે કે પરષોત્તમભાઈ પ્રચારમાં નથી તો આનો લાભ તમે ઉઠાવી શકશો કે કેમ ?
રાજુભાઈ સોલંકીઃ કોઈ પ્રચારમાં હોય ન હોય એનાથી કંઈ ફરક પડવાનો નથી, કારણ કે આ વખતે કોળી સમાજ જ નહિ પરંતુ અન્ય દરેક સમાજના લોકો આખા ગુજરાતના અઢારે વર્ણ આ સરકારથી ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક મુદ્દાઓ, અનેક સમસ્યાઓ મોંઘવારી, બેરોજગારી, મંદી, શિક્ષણ, આરોગ્ય અને અન્ય મુદ્દાઓ સાથે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતની જનતા આ વખતે 100 ટકા પરિવર્તન લાવશે.
ETV BHARAT: તાજેતરમાં આપણા નાણાંપ્રધાન કનુ દેસાઈની ટિપ્પણીને લઈને વિરોધ કર્યો છે, તમે સામાજિક દ્રષ્ટિએ પોતાની ભૂમિકા ભજવી છે તો આ ટિપ્પણી શું છે ? એક દિવસ બાકી છે ત્યારે વિરોધ થયો છે શું કહેશો ?
રાજુભાઈ સોલંકીઃ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ ભાન ભૂલી ગયા છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જેવી વાતો જાહેરમાં અને મંચ પરથી કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કનુ દેસાઈએ પોતાના ભાષણ દરમિયાન વાણી વિલાસ, બફાટ કર્યો અને ભાન ભૂલી ગયા. તેઓ કોળી સમાજ વિશે એવું બોલ્યા કે, "કોળિયો કુટાય અને ધોળીયો ચૂંટાય". આવા વાણી વિલાસ અને કારણ વગરના આવા બફાટોથી લોકોની લાગણી દુભાઈ છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દરેક સમાજની લાગણી દુભાવે છે. આના લીધે દરેક સમાજના લોકો અને ગુજરાતની પ્રજા આ લોકોથી ખૂબ નારાજ છે. આ વખતે સો ટકા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરવાના છે.