ભાવનગરઃ ઈન્ડિયા અલાયન્સના ભાવનગર બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણાના નામાંકન વિરુદ્ધ ભાજપના નિમુબેને કરી વાંધા અરજી કરી છે. કલેકટર દ્વારા વાંધા અરજીને પગલે ઉમેશ મકવાણાને કાલ બપોર સુધીમાં લેખિતમાં ખુલાસો કરવા જણાવાયું છે. આ બનાવથી ભાવનગરનું રાજકારણ ગરમાયું છે. જો કે ઉમેશ મકવાણાએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા ભાજપ પર આકરા વાકપ્રહાર કર્યા છે.
કઈ બાબતોએ કરાઈ વાંધા અરજી?: ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાએ ઉમેશ મકવાણાના નામાંકન વિરુદ્ધ વાંધા અરજી કરી છે. ભાવનગર કલેક્ટર આર. કે. મહેતાએ જણાવ્યું હતું કે,વાંધા અરજીમાં નિમુબેને રજૂઆત કરી છે કે પ્રથમ ઉમેશભાઈએ 2022માં વિધાનસભા ચૂંટણીમાં એફિડેવિટમાં 2018/19માં આવક 8,74,090 દર્શાવી છે જ્યારે લોકસભા એફિડેવિટમાં 2018/19માં આવક 11,20,000 દર્શાવી છે. આ માહિતી વિરોધાભાસ ઉભો કરે છે. બીજો વાંધો ઉમેશભાઈએ રોકડ 33,35,000 અને પત્ની અલકાબેનની રોકડ 22,28,000 દર્શાવી છે. જે તેમની 5 વર્ષની આવક કરતા વધારે જણાય છે. ત્રીજો વાંધો દેવ એન્ડ આર્યા ઈન્ફ્રા પ્રા.લિ.માં ડાયરેકટર તરીકેની આવક દર્શાવી નથી. શિક્ષણની માહિતી અધૂરી હોવાનો વાંધો પણ વાંધા અરજીમાં કરાયો છે.
ભાજપ પર આકરા વાકપ્રહારઃ ઈન્ડિયા અલાયન્સના ભાવનગર બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણાના નામાંકન વિરુદ્ધ ભાજપના નિમુબેને કરી વાંધા અરજી કરી છે. ઉમેશ મકવાણાએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા ભાજપ પર આકરા વાકપ્રહાર કર્યા છે. ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણીયા દ્વારા મારા ફોર્મને લઈને વાંધા અરજી કરવામાં આવી છે. ભાજપ હાર ભાળી ગયું છે. જેવી રીતના પોતે ગેરહાજર રહીને સરકારી તંત્રનો અને વકીલનો ઉપયોગ કરીને કલેક્ટરમાં મૌખિક લેખિત વાંધા અરજી કરવામાં આવી છે એને જોતા એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી તેમના ઉમેદવાર અને ખુદ ભારતીય જનતા પાર્ટી છે હાર ભાળી ગઈ છે. તેઓ બિનહરીફ થવા માટે મારા ફોર્મને રદ કરવા તંત્ર ઉપર દબાણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. માન્ય કલેક્ટરને 11 કલાક સુધીમાં મારો લેખિત જવાબ આપવાનું જણાવી દીધું છે. જો કે તંત્રને દબાવવાની કામગીરી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે.