ભાવનગરઃ ભાજપ અને ઈન્ડિયા ગઠબંધન સિવાય ભાવનગર લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારો 13 છે. આ પૈકી છેલ્લા ઘણા સમયથી ચૂંટણી લડતાં અપક્ષ ઉમેદવારો સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી. આ અપક્ષ ઉમેદવારો શું કહે છે, ચાલો જાણીએ...
જીતુ વાઘાણીને પડકારનાર સંજય મકવાણાઃ ભાવનગર લોકસભા બેઠક પર સંજય મકવાણા અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે. વર્ષ 2022 માં જીતુ વાઘાણી સામે પણ તેમણે ઉમેદવારી કરેલી છે. સંજયભાઈ મકવાણા સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરતા તેમણે પ્રતિક્રિયા આપી હતી. સંજય મકવાણાએ જણાવ્યું હતું કે, મારું નામ સંજયભાઈ મગનભાઈ મકવાણા છે લોકો મને મુન્નાભાઈ ચોગઠ તરીકે ઓળખે છે. ભાવનગર પશ્ચિમ બેઠકમાં અપક્ષમાંથી ચૂંટણી લડ્યો હતો અને એમાં મને 6,772 મત મળ્યા હતા. હવે હું આ બીજી લોકસભાની ચૂંટણી લડી રહ્યો છું. હવે એમાં ખ્યાલ આવશે કેટલા મત મળે છે.
સંજય મકવાણાનું પ્રચાર માધ્યમ આધુનિકઃ અપક્ષ ઉમેદવાર સંજયભાઈ મકવાણા ઉર્ફ મુન્નાભાઈ ચોગઠએ જણાવ્યું હતું કે, હું સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરવા માગું છું. ખર્ચ થતો નથી અને અત્યારે જાજો પ્રચાર પણ સોશિયલ મીડિયાથી ચાલે છે. દરેક વ્યક્તિ પાસે મોબાઈલ હોય છે. જો તમે સભાઓ કરો અને લોકોને હેરાન કરવા એવું કાઈ કરવાનું થતું નથી. હું સોશિયલ મીડિયાના માધ્યમથી ચૂંટણી લડવા માગું છું.
સંજય મકવાણાની ફરિયાદઃ અપક્ષ ઉમેદવાર સંજય મકવાણાએ ફરિયાદના સૂરમાં જણાવ્યું હતું કે, ભાવનગર લોકસભા 15ના ભાવનગર-બોટાદ લોકસભાના ઓબ્ઝર્વરને મેં અરજી આપી છે અને મૌખિક રજૂઆત પણ કરેલી છે. મારી ફરિયાદ છે કે 3 મહિના પહેલા ભાવનગર જિલ્લાના તલાટી કમ મંત્રીઓમાંથી 188 તલાટી કમ મંત્રીઓની બદલીઓ થઈ હતી. શાસક પક્ષના હોદ્દેદારો જેવા કે જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, તાલુકા પંચાયતના પ્રમુખ હોય, સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય આ બધાની ભલામણથી 188 તલાટી કમ મંત્રીઓની ફેરબદલી કરેલી છે. 3 મહિના પહેલા બદલીઓ થઈ તેમને ભાવનગરની લોકસભા ચૂંટણીમાં અત્યારે કામગીરી સોંપવામાં આવી છે. તેથી ભાવનગર લોકસભા ચૂંટણીના ઓબ્ઝર્વર અને કલેક્ટર સાહેબને મળીને અરજી કરી છે કે ભાજપની ભલામણથી થયેલા ઓર્ડરવાળા અધિકારીઓ પાસેથી તમે આ ચૂંટણીમાં કામગીરી કરાવશો તો કૌભાંડ થઈ શકે છે.
નાની વયના અપક્ષ ઉમેદવાર હર્ષ ગોકલાણીની 3જી ચૂંટણીઃ ભાવનગર લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર હર્ષ ગોકલાણી માત્ર 26 વર્ષની ઉંમરના છે. તેમની સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી. અપક્ષ ઉમેદવાર હર્ષ ગોકલાણીએ જણાવ્યું હતું કે, મારી આ પહેલી ચૂંટણી છે. પેલી ચૂંટણી હું કોર્પોરેશન 2021માં લડ્યો હતો અને 2022માં વિધાનસભા ચૂંટણી લડ્યો હતો. ત્યારે આખા ગુજરાતમાં યંગેસ્ટ કેન્ડીડેટ હોવાનો મારો રેકોર્ડ હતો. આ મારી 3જી ચૂંટણી છે જે ભાવનગર લોકસભા બેઠક પરથી લડી રહ્યો છું. મારી ઉંમર 26 વર્ષની છે મારું એકાઉંન્ટિંગની જોબ કરું છું.
ભાજપથી છેડો ફાડી અપક્ષમાં લડત શરૂ કરીઃ હર્ષ ગોકલાણીએ જણાવ્યું હતું કે, હું સામાજિક ક્ષેત્રે 10 વર્ષથી કાર્યરત છું. પહેલા મેં ભાજપથી શરૂઆત કરી હતી પણ કેટલાક ઈશ્યૂને લીધે ભાજપ છોડવું પડ્યું. ભાજપ સામે જ અપક્ષ લડવાની શરૂઆત કરી હતી. હું ઘરે ઘરે જઈને પ્રચાર કરું છું.