ભાવનગરઃ ભાજપે ભાવનગર લોકસભા બેઠક પર નિમુબેન બાંભણિયાને તક આપી છે. આ બેઠક પર મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. મતદાન બાદ ETV BHARATએ ભાજપ ઉમેદવાર નિમુબેન સાથે ખાસ વાતચીત કરી હતી. ઓછા મતદાન અને પરિણામ તારીખ 4થી જૂન સુધીના આયોજન વિશે નિમુબેને જણાવ્યું હતું.
ETV BHARAT: મતદાન પ્રક્રિયા થઈ તે અગાઉ ચિંતા અને માનસિક ભારણ કેવા હતા?
નિમુબેન બાંભણિયાઃ ચૂંટણી સમયે પ્રવાસ ગામડાઓના પ્રવાસ હોય છે, શહેરની અંદર પત્રિકા વિતરણ હોય કે મોટી સભાઓ હોય એ અનેક જગ્યાએ જુદા જુદા પ્રકારના જ્યારે ચૂંટણીના માહોલ હોય ત્યારે આયોજન હોય છે. ત્યારે એ બધામાં જવાનો ટાઈમ સાચવવાનો અને ભાગદોડ હોય છે અને સમયસર કાર્યક્રમો શરૂ કરવાના હોય લોકો રાહ જોતા હોય, ગામડાની અંદર પણ ખૂબ પ્રવાસ મેં કર્યો છે. સાતે સાત વિધાનસભાની અંદર પણ ઘણા પ્રવાસો કર્યા છે. લોકોને મળવાનું થયું છે જેની અંદર પણ પૂર્વ વિધાનસભા પછી વિધાનસભામાં અને એક જગ્યાએ સભામાં અને જે કાંઈ પણ કાર્યક્રમો કર્યા હોય એ કાર્યક્રમમાં હાજરી આપી છે, ત્યારે ભાગદોડ સ્વભાવિક છે કે વધારે હોય છે.
ETV BHARAT: હવે જે ભાગદોડ પૂર્ણ થઈ ગઈ છે અને ઘરમાં રહેવાનું એટલે કે ઘરની પરિસ્થિતિ, ઘરનું વાતાવરણ છે એ અને તમારું રાજકારણ આ બે વચ્ચે મિલાવટ છે કે નથી હવે તમે કેવું અનુભવો છો ?
નિમુબેન બાંભણિયાઃ ચૂંટણી પૂરી થઈ છે એટલે હળવાશ અનુભવું છું અને બાળકો સાથે-મારા દીકરાનો દીકરો છે એની સાથે, એને રમાડીને પણ મેં મારો સમય પસાર કર્યો છે.મારા રૂટિન જે જીવનની અંદર કાર્ય કરું છું એ રૂટીન કાર્ય પણ મેં અત્યારે મારા કામ શરૂ કર્યુ છે અને ખાસ કરીને પરિવાર સાથે હમણાં સમય ન આપી શકતી, પણ પરિવાર સાથે આજથી થોડીક વાતચિત કરીને હળવાશની પળો અનુભવી છે. હું અમારા પાડોશીબેનોએ પણ મળી ત્યારે બધાએ હળવાશ અનુભવી છે.
ETV BHARAT: 4 જૂન વિષયક પણ મનમાં કંઈક ચિંતા કે ઉચાટ છે ?
નિમુબેન બાંભણિયાઃ દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 10 વર્ષના શાસનની અંદર અનેક વિકાસ થયા છે. સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને લઈ દરેક સમાજના લોકોને વિકાસના ફળો મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું મોટું વટ વૃક્ષ છે. અમારા તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્ય અમારા ધારાસભ્ય અમારા સંસદ અને અમારા પદાધિકારી બધાએ કાર્યકર્તાઓએ સાથે મળી અને ખૂબ કામ કર્યુ છે અને પરિશ્રમ કર્યો છે ત્યારે એમને ચોક્કસ જે લક્ષ આપ્યો છે એ લક્ષ પ્રમાણે અમારું શ્રેષ્ઠ પરિણામ પણ અમને મળવાનું છે.
ETV BHARAT: તમે જે રીતે નાના પદેથી એટલે મેયર પદેથી સાંસદ પદ સુધી પોહચ્યા છો તો શું વિચારો છો ?
નિમુબેન બાંભણિયાઃ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારુ બુથ પ્રમુખથી શરૂઆત થઈ,મહિલા મોરચામાં પ્રમુખ તરીકે રહી, મેયર પદેથી મેં જવાબદારી ભાવનગરમાં મહાનગરપાલિકાની અંદર બે વખત બે ટર્મ તરીકે પણ મને પાર્ટી એ જવાબદારી આપી છે. ઘોઘા સર્કલ વોર્ડમાં ત્રણ વખત નગરસેવિકા તરીકે પણ મેં જવાબદારી નિભાવી છે. આમ પાર્ટી એ મને અનેક જવાબદારીઓ આપી છે અને આ જવાબદારીના ભાગરૂપે કાર્યકર્તાના ભાવ તરીકે આ બધી જવાબદારીઓ નિભાવી છે,ત્યારે ભાવનગરના મહાનગરપાલિકાના મેયર તરીકે એ ભાવનગર શહેરનું જોવાનું હોય છે ત્યારે લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારે મને પાર્ટીએ આ જવાબદારી આપી છે, ત્યારે આ તકને લઈને અમે અનેક સાત વિધાનસભાની અંદર જુદાજુદા કાર્યક્રમ દ્વારા પ્રવાસ કર્યો છે ગામડાઓમાં પણ ખૂબ પ્રવાસ કર્યો છે. સૌ પદાધિકારી અમારી સાથે રહીને એમણે કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીનું એક વટ વૃક્ષ છે. કાર્યકર્તાઓનું અમારા તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્યો અમારા ધારાસભ્યો સાંસદ અમારા સૌ પાર્ટીના પદાધિકારીઓએ સાથે મળી અને અમે આ ચૂંટણીની અંદર ખૂબ સારું કામ કર્યું છે, ત્યારે શ્રેષ્ઠ પરિણામ પણ મળવાનું છે અને વિચાર ફલક ઉપર પાર્ટીએ અનેક કાર્યક્રમો દ્વારા અમે લોકોને મળવાનું એનો સંપર્ક કરવાનું અને જુદી જુદી જે પણ જગ્યાએ કાર્યક્રમ હતા. એમાં ઉપસ્થિત રહી અને વિચાર ફલકમાં અમે કામ કર્યું છે.
ETV BHARAT: જે રીતે મતદાનની ટકાવારી સામે આવી છે 2019માં 59 ટકા હતું જ્યારે આ વર્ષે 53 ટકાવરી સામે આવી છે તો ઓછી ટકાવારી આવી તો તમારું ગણિત કાઈ છે ?
નિમુબેન બાંભણિયાઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અનેક વિકાસના કામો થયા છે. સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઇ અને દરેક સમાજમાં વિકાસ થયો છે. મેં સાત વિધાનસભાની અંદર પ્રવાસ કર્યો મારો અનુભવ કરું તો ગામડાની અંદર પણ વીજળી, પાણી,રોડ રસ્તાઓ ખૂબ સારી સુવિધા લોકોને મળી રહે છે. ત્યારે અમારા કાર્યકર્તાઓની મહેનત અમારા પદાધિકારીની મહેનત અમારા તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો અમારા સાંસદ ધારાસભ્ય ખૂબ મહેનત કરી છે. ટકાવારી કદાચ ઓછી છે, પણ શ્રેષ્ઠ કામ અમારા કામ પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું છે અને અમારા કાર્યકર્તા અમારા પદાધિકારીએ એક મળી અને પરિશ્રમ કર્યો છે ખૂબ તડકો હોવા છતાં ગરમી હોવા છતાં અમારા કાર્યકર્તાઓ છે એને સાંજ સુધી લગાતાર કામ કરી રહ્યા છે, ત્યારે અમને શ્રેષ્ઠ પરિણામ પણ મળવાનું છે એવી પણ અમે આશા વ્યક્ત કરું છું.
ETV BHARAT: હવે પછીના દિવસોમાં 4 તારીખ સુધીના શું આયોજન છે?
નિમુબેન બાંભણિયાઃ હવે કોઈ પણજવાબદારી પાર્ટી સોંપે તો એ પણ હું કામ કરવા માટે જઈશ અને ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને હળવાશના દિવસો છે ત્યારે પરિવાર સાથે રહીશ અને મારો સમય પસાર કરીશ. ક્યાંક પ્રસંગો હોય ક્યાંક જવાનું તો પણ હું એમાં જઈશ અને મારી હાજરી આપીશ અને પાર્ટી દ્વારા જે કંઈ કામ સોંપશે તો એ પણ કામ કરવા માટે હું તૈયાર રહીશ.