ભરુચઃ આજે ઈન્ડિયા અલાયન્સના ભરુચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ રોડ શો કરીને જનસભાને સંબોધી હતી. જેમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંતસિંઘ માન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓ-કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
જન આશીર્વાદ યાત્રાઃ ભરૂચ લોકસભા બેઠક પર નામાંકન કરતા પહેલા આજે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ જન આશીર્વાદ યાત્રાનું આયોજન કર્યુ હતું. જે ભરુચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરુ થઈ હતી. ભરૂચ જિલ્લા અને ડેડિયાપાડાથી આદિવાસી નાગરિકો મોટી સંખ્યામાં વાહનો લઈને આ યાત્રામાં જોડાયા હતા.
ભારત જોડો ન્યાય યાત્રા બાદ બીજી મોટી યાત્રાઃ ચૈતર વસાવાને 6 મહિના બાદ ડેડીયાપાડા વિધાનસભામાં હાઈકોર્ટે પ્રવેશની મંજૂરી આપી છે. આજે સવારે દેવમોગરા માતાના દર્શન કરીને ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે ઉમેદવારી પત્ર ભરવા માટે ચૈતર વસાવા નિકળ્યા હતા. તેમની યાત્રા ડેડીયાપાડાથી નિકળી નેત્રંગ થઈ વાલિયા પહોંચી હતી. જ્યાં શિવજી મંદિરમાં ચૈતર વસાવા તેમની ધર્મ પત્ની સાથે પહોંચ્યા હતા. મંદિરમાં પૂજા કરી આશીર્વાદ મેળવ્યા બાદ યાત્રા અંકલેશ્વર થઈ ભરૂચ પહોંચી હતી. ભરૂચમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બાદ આજે બીજી વાર આટલી વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી હતી.
ઈન્ડિયા અલાયન્સના દિગ્ગજો જોડાયાઃ ભરૂચમાં યાત્રા પહોંચતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ યાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા પણ જોડાયા હતા. ભરૂચ ખાતે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ચૈતર વસાવાએ 42 ડીગ્રી ગરમીમાં વિશાળ જનસભા સંબોધન કરતા મોંધવારી,રોજગારી જેવા મુદ્દે ભાજપ અને મોદી સરકાર પર વાકપ્રહાર કર્યા હતા. આવતીકાલે ચૈતર વસાવા ઉમેદવારી પત્ર જિલ્લા ચુંટણી અધિકારીને સુપ્રત કરશે.
ભરુચ બેઠક પર રોમાંચક જંગઃ ચૈતર વસાવાના સમર્થનમાં એકત્ર થયેલ ભારે ભીડને લીધે ભરૂચના કેટલાક રસ્તા પર ચક્કાજામ સર્જાયો હતો. આ યાત્રા સંદર્ભે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભરુચ બેઠક પર એક તરફ ભાજપના અને 6 ટર્મથી જંગી લીડથી જીતતા મનસુખ વસાવા છે તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચૈતર વસાવા છે. જોકે BAP (ભારત આદિવાસી પાર્ટી)માંથી પણ છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવાની જાહેરાત થઈ છે. છેલ્લા દિવસમાં ૩૩ ઉમેદવારો એ ફોર્મ ઉંચકયા છે ત્યારે હવે ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ જ ઉમેદવારોની ચિત્ર ભરૂચ બેઠક પર સ્પષ્ટ થશે.