બનાસકાંઠાઃ આજે લાખણીમાં પ્રિયંકા ગાંધીની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જંગી મતથી જીતાડવા અપીલ કરી અને ભાજપ પર આકરા વાકપ્રહાર કર્યા હતા. આ સમયે Etv Bharat દ્વારા બનાસકાંઠાના મતદારોનો મિજાજ જાણવા ચૂંટણી ચૌપાલ કરવામાં આવી હતી. જેમાં મતદારોએ પોતાના નિષ્પક્ષ મંતવ્યો, માંગણી અને લાગણી રજૂ કરી હતી.
ગેનીબેનની જીતનો વિશ્વાસઃ બનાસકાંઠાના દિયોદર તાલુકાના મતદાતા ગોધાજી રાજપૂતે ગેનીબેન ઠાકોર ચોક્કસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ગેનીબેન ઠાકોરને અમે સમર્થન આપવા માટે અહીં આવ્યા છીએ અને ગેનીબેન 2 લાખ મતોની લીડથી જીતશે. ગુજરાતમાં 26માંથી કોંગ્રેસની 8 બેઠકો ચોક્કસ આવશે. ભાજપ સરકારથી અમે ત્રાસી ગયા છીએ. કોઈને 15 લાખ મળ્યા નથી, અમારા ડીસાના બટાકામાંથી સોનાની વેફર બની નથી, 2 કરોડ રોજગાર મળ્યા નથી. અમને ભાજપની મીટિંગોમાં પશુપાલકોને પરાણે બોલાવવામાં આવે છે. જો અમે ન જઈએ તો 100 રુપિયા કાપી લેવામાં આવે છે. વીજળી વિભાગવાળા પણ અમને બહુ હેરાન કરે છે. અમે વ્યાજે પૈસા લાઈને લાઈટબિલ ભરીએ છીએ. તેથી આ વખતે અમે કોંગ્રેસ સાથે છીએ.
ગેનીબેન જમીની નેતા છેઃ અન્ય એક મતદાતા અંબારામભાઈએ Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગેનીબેન જમીની નેતા છે. તેમણે અમારા વિસ્તારમાં ખૂબ કામ કર્યુ છે. ગેનીબેન બનાસકાંઠાના દરેક વર્ગના લોકોના સુખદુઃખમાં સાથે રહ્યા છે તેથી બનાસકાંઠાની પ્રજા ગેનીબેનને ચોક્કસ જીતાડશે. બનાસકાંઠાની 36 કોમ ગેનીબેનને ભવ્ય લીડથી જીતાડશે.
ભાજપ અને વડાપ્રધાન મોદી પર વાકપ્રહારઃ Etv Bharatએ યુવા મતદાર દશરથસિંહ ચૌહાણ સાથે વાતચીત કરી હતી. તેમણે ભાજપ અને વડાપ્રધાન મોદી પર આકરા વાકપ્રહાર કર્યા હતા. દશરથસિંહે જણાવ્યું હતું કે,મારે મોદીજીને કહેવું છે કે રાજીવ ગાંધી કોમ્પ્યૂટર અને ઈન્ટરનેટની ક્રાંતિ લાવ્યા ત્યારે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવા સુધી પહોંચ્યા છો. કોંગ્રેસે બનાવેલ શાળાઓમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે તમે બનાવેલ શૌચાલયમાં ચૂંટણી નથી યોજાવાની. મોદીજી તમે કહો છો કે કોંગ્રેસ એક્સરે લાવશે અને તમારુ બધુ લઈ લેશે આ શબ્દો તમને શોભતા નથી. મોદીજી તમે રુપાલાની ટિકિટ કેન્સલ ના કરી આનો જવાબ માત્ર ક્ષત્રિય જ નહિ પરંતુ 36 કોમો 7મી તારીખે આપીશું.
લોકશાહી બચાવવાનો પ્રયાસઃ અન્ય એક મતદાતા તેજાભાઈ દેસાઈ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ છે. તેમણે ગેનીબેન ઠાકોરને આપવામાં આવતા સમર્થનને લોકશાહી બચાવવાનો એક પ્રયાસ ગણાવ્યો છે. આજે ગેનીબેનના સમર્થનમાં બનાસકાંઠાની જનતા ઉમટી પડી છે. લોકશાહીને બચાવવા માટે આવેલ જનતાને લીધે જગ્યા નાની પડી ગઈ છે. અત્યારે તાનાશાહીની સરકાર છે લોકોને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે. બનાસની બેન ગેનીબેનને જનતા જનાર્દન જીતાડીને આ તાનાશાહી ખતમ કરશે.