અમદાવાદઃ તા.27મીના રોજ અમિત શાહ જામકંડોરણામાં'વિજય સંકલ્પ સભા'ને સંબોધશે. જામકંડોરણા ખાતે કુમાર છાત્રાલયમાં 50 હજાર લોકોની જંગી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ભાજપના આગેવાનો આ 'વિજય સંકલ્પ સભા'ની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.
'વિજય સંકલ્પ સભા': પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ખુદ પ્રચાર કરવાના છે. પોરબંદર બેઠક પર મનસુખ માંડવિયાની ઉમેદવારી જાહેર થઈ ત્યારે થોડા ઘણા વિરોધના સૂર ઉઠ્યા હતા. માંડવિયાને આ બેઠક પર આયાતી ઉમેદવાર ગણીને વિરોધીઓએ નિવેદનો કર્યા હતા. જો કે મનસુખ માંડવિયા આ વિરોધ પ્રત્યે ધ્યાન આપ્યા વિના પોરબંદલ લોકસભા બેઠક અંતર્ગત આવતા વિધાનસભા ક્ષેત્રોમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. હવે તેમને ટેકો આપવા ખુદ અમિત શાહ પોરબંદરના જામકંડોરણા ખાતે આવતીકાલે આવી રહ્યા છે. અમિત શાહની જામકંડોરણા મુલાકાત ખાસ બની રહે તે માટે સ્થાનિક ભાજપ આગેવાનોએ તડામાર તૈયારીઓ કરી છે. જામકંડોરણા ખાતે કુમાર છાત્રાલયમાં 50 હજાર લોકોની જંગી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપે અમિત શાહના પ્રચાર દરમિયાન 'વિજય સંકલ્પ સભા'નું આયોજન કર્યુ છે.
ગુજરાતમાં ભાજપનો ઝંઝાવાતી પ્રચારઃ ગુજરાત વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું હોમ સ્ટેટ ગણાય છે. તેથી ગુજરાતમાં 7મેના રોજ થનાર મતદાનમાં ભાજપ કોઈ કસર છોડવા માંગતું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સ્થાપના દિન 1 મેના રોજ લોકસભા ચૂંટણીનો પ્રચાર શરુ કરશે. તેમના 2 દિવસીય પ્રચાર કાર્યક્રમમાં તેઓ કુલ 14 લોકસભા બેઠકને આવરી લેશે. જેમાં અમદાવાદ પૂર્વ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અને જામનગર લોકસભા બેઠકને આવરી લેશે. વડાપ્રધાન મોદી કુલ 6 જંગી ચૂંટણીસભાને સંબોધશે. અત્યંત વ્યસ્ત એવા 2 દિવસીય પ્રચાર કાર્યક્રમ બાદ વડાપ્રધાન 7 મેના રોજ મત આપવા માટે ફરીથી ગુજરાત આવશે.