અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024 માટે દરેક રાજકીય પક્ષ અને તેમના ઉમેદવારોએ પ્રચાર શરુ કરી દીધો છે. આ સંજોગોમાં આજનો દિવસ ગુજરાત કૉંગ્રેસ માટે મહત્વનો રહ્યો. કૉંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનીકે 5 કૉંગ્રેસી ઉમેદવારો સાથે મહત્વની બેઠક કરી હતી. જેમાં ચૂંટણી સંદર્ભે રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી. કૉંગ્રેસના જેનીબેન ઠુંમર, ગેનીબેન ઠાકોર, પ્રભાબેન તાવિયાડ, સુખરામ રાઠવા અને તુષાર ચૌધરીએ કૉંગ્રેસની જીતનો દમદાર દાવો કર્યો હતો. ભાજપ વિરુદ્ધ પ્રજામાં રોષ છે અને કૉંગ્રેસને આવકારવા પ્રજા આતુર છે તેમ જણાવીને કૉંગ્રેસી ઉમેદવારોએ જીત માટે અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો.
જેનીબેન ઠુંમરનો ઉત્સાહઃ અમરેલી લોકસભા બેઠક પર કૉંગ્રેસે જેનીબેન ઠુંમરને તક આપી છે. અમરેલીમાં ભાજપ અત્યારે વિભાજિત છે, આ બેઠક પર પક્ષીય અને સહકારના રાજકારણ વિરુદ્ધ જેનીબેન મહિલાના પ્રશ્નોને ઉકેલવા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. જેનીબેન પાટીદાર ઉમેદવાર છે અને અત્યારે તેઓ પાટીદાર ઉપરાંત ક્ષત્રિય અને ઓબીસી સમાજને સાથે લઈ આગળ વધી રહ્યા છે. જેનીબેન ઠુંમરે જણાવ્યું હતું કે, અમરેલીથી બનાસકાંઠા સુધી આ વખતે ભાજપ સાફ થઈ જશે.
ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયાઃ કૉંગ્રેસે બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. ગેનીબેનનો ઉત્સાહ જોતા લાગે છે તેઓ જીત માટે નિશ્ચિત છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે કૉંગ્રેસના માત્ર 17 બેઠકો મળી હતી. તે પૈકી એક વાવ બેઠક ગેનીબેન જીતી લાવ્યા હતા. ગેનીબેન ઠાકોરે માત્ર ઠાકોર જ નહિ ચૌધરી, પાટીદાર અને મહિલાઓને મતદાનની અપીલ કરીને મામેરુ કરવા કહ્યું હતું.
પ્રભાબેન તાવિયાડનો આત્મવિશ્વાસઃ અગાઉ એકવાર સાંસદ રહી ચૂકેલા પ્રભાબેન તાવિયાડને કૉંગ્રેસે દાહોદ લોકસભા બેઠક પર તક આપી છે. આદિવાસીઓનું માઈગ્રેશન અને મહિલાઓની સમસ્યા ઘટે તેવા મુદ્દાઓ પર પ્રભાબેન તાવિયાડ લોકસભા ચૂંટણી લડવાના છે. દાહોદ પંથકમાં સિંચાઈની સમસ્યા દૂર કરવા પણ પ્રભાબેન મક્કમ જણાય છે.
તુષાર ચૌધરીને મળશે ભાજપ વિરોધનો ફાયદોઃ ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક અત્યારે બહુ ચર્ચામાં છે. આ બેઠક પર ભાજપે ઉમેદવારની પસંદગીના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર છે તુષાર ચૌધરી. તુષાર ચૌધરી યુપીએ સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેમના પિતા અમર સિંહ ચૌધરી ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન હતા. તેમના માતા નીશા ચૌધરી સાબરકાંઠા બેઠક પરથી વિજયી થયા હતા. તેથી આ બેઠક પર તુષાર ચૌધરીનો પારિવારીક દબદબો કહી શકાય. તુષાર ચૌધરી આ ચૂંટણી ભ્રષ્ટાચાર, ફ્લાયઓવર જેવી લોકસમસ્યાઓને દૂર કરવા લડી રહ્યા છે.
સુખરામ રાઠવાને મતદારો પર વિશ્વાસઃ છોટા ઉદેપુરથી કૉંગ્રેસે સુખરામ રાઠવાને ઉમેદવાર બનાવ્યા છે. છોટા ઉદેપુર રાઠવા બહુબલ ધરાવતો પ્રદેશ છે. ભાજપના શાસનમાં આદિવાસીઓને થયેલા અન્યાય વિરુદ્ધ સુખરામ રાઠવા લડવાના છે. સુખરામ રાઠવાને આ વિસ્તારમાં સુખરામ કાકાના હુલામણા નામે ઓળખવામાં આવે છે. તેઓ આ બેઠક જીતશે તેવો આત્મવિશ્વાસ તેમણે રજૂ કર્યો હતો.
10થી વધુ બેઠકો જીતીશું-મુકુલ વાસનીકઃ ગુજરાતના કૉંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીકે ગુજરાતમાં 10થી વધુ લોકસભા બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ વખતે ભાજપ પ્રત્યે જનતાનો વિરોધ માત્ર ગુજરાત પૂરતો નથી પરંતુ સમગ્ર દેશમાં છે. ભાજપને જનતા જવાબ આપશે. ભાજપના નેતાઓ બેફામ નિવેદન કરે છે તેનો બદલો જનતા ચૂંટણીમાં લેશે.