સુરતઃ કોંગ્રેસ ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ સુરતમાં તેમના વિરુદ્ધ સતત પ્રદર્શન અને દેખાવો થઈ રહ્યા છે. અગાઉ કુંભાણીના ઘર બહાર પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્ટેશન ખાતે પોસ્ટર્સ ચોટાડીને વિરોધ કરાયો હતો. આજે ફરી એક વાર નિલેશ કુંભાણીના ફોટો પર 'ઠગ ઓફ સુરત' લખેલ બેનર્સ લગાડીને વિરોધ કરાયો છે. નિલેશ કુંભાણી સાથે તેમના ટેકેદાર સુરેશ પડસાળાનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. બેનર્સ પર બંનેના ફોટા સાથે ઠગ ઓફ સુરત, લોકશાહીનો હત્યારો અને જનતાનો ગદ્દાર લખવામાં આવ્યું છે.
દિનેશ કાછડીયા પહોંચ્યા કલેકટર કચેરીઃ બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડીયા પણ સુરત કલેકટર કચેરી પહોંચ્યા હતા. તેઓ હાથમાં એક બેનર લઈને કલેક્ટર કચેરી બહાર ઉભા હતા. જ્યાં તેમણે કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સુરતના લાચાર મતદાતાઓ કોણે મત આપે? હું વારંવાર રજૂઆત કરવા આવું છું. જેથી સુરતના લોકોને સાથે જે અન્યાય થયો છે તે અંગે જણાવી શકું. કલેકટર કચેરી સામે ઊભા થઈ તેમણે કલેકટરને એક બેનર હાથમાં લઈ પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં તેમણે લખ્યું છે કે, જે લોકોના કારણે ખેલ થયો તે નિલેશ કુંભાણીના ટેકેદારોની તમારી રૂબરૂમાં જે સહી કરાઈ હતી તે સહી ખોટી કેમ નીકળી ? તે બાબતે તમે આજ સુધી કેમ કશું બોલ્યા નથી ? દિનેશ કાછડીયાએ જણાવ્યું હતું કે, ભાજપ અને નિલેશ વચ્ચે ડીલ થઈ છે. સાથે અન્ય ઉમેદવારો પણ વેચાઈ ગયા છે તેના કારણે મતદાતાઓ રોષમાં છે. તેઓ મતદાન કરી શકે તેમ નથી હવે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રીતે કરશે?
નાદુરસ્ત તબિયતનું કારણઃ ઉલ્લેખનીય છે કે ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણીએ મીડિયા સમક્ષ આવીને પોતાની વાત હજૂ સુધી રજૂ કરી નથી. થોડા દિવસો અગાઉ તેમણે વિડીયો મારફતે પોતાનો પક્ષ મુક્યો હતો. ગતરોજ તેઓ મીડિયા સમક્ષ આવવાના હતા પરંતુ તબિયત ખરાબ હોવાનું કહી તેઓ મીડિયા સમક્ષ આવ્યા નથી. તેમણે કોંગ્રેસ પક્ષમાંથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.