ભાવનગરઃ સમગ્ર ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થવાનું છે. જે સંદર્ભે સમગ્ર ચૂંટણી તંત્ર યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી રહ્યું છે. ભાવનગર શહેરમાં સેન્ટ મેરી હાઈસ્કુલમાં પિંક બૂથ બનાવવામાં આવી રહ્યું છે. આ પિંક બૂથ માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત કરાશે. Etv Bharatએ ભાવનગરના નાયબ ચૂંટણી અધિકારી સાથે વાતચીત કરી આ પિંક બૂથ વિશે માહિતી મેળવી છે.
7 પિંક બૂથઃ ભાવનગર લોકસભા બેઠક ઉપર કુલ 1830 જેટલા વોટિંગ બૂથ છે. વિધાનસભા પ્રમાણે ખાસ પિન્ક બૂથ બનાવવાની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભાવનગરમાં સેન્ટ મેરી હાઇસ્કુલ ખાતે પિન્ક બૂથ બનાવવામાં આવી રહ્યું છે. આ બૂથની તૈયારીઓ સંદર્ભે નાયબ ચૂંટણી અધિકારી હિતેશ જણકાટે જણાવ્યું હતું કે, ભાવનગર લોકસભા ચૂંટણીમાં વિધાનસભા મતવિસ્તાર દીઠ 7 પિંક બૂથ બનાવવામાં આવ્યા છે. જેમાં તમામ સ્ટાફ મહિલા અધિકારીઓનો હશે. પિંક વોટિંગ બૂથ એટલે કે માત્ર મહિલા સ્ટાફ દ્વારા સંચાલિત બૂથ.
વોટિંગ બૂથ પર ફેસેલિટીઝઃ લોકસભા બેઠક ઉપર ચૂંટણી તંત્રએ કરેલી તૈયારીઓને પગલે નાયબ ચૂંટણી અધિકારી હિતેશ જણકાટે જણાવ્યું હતું કે, હિટવેવની આગાહીને ધ્યાને લઇને વહીવટી તંત્ર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વોટિંગ બૂથ પર રહેલ અમારી ટીમ પીવાના પાણી, ફર્સ્ટ એડ કિટ અને નજીકના આરોગ્ય કેન્દ્રની માહિતી સાથે સજ્જ હશે. જે બૂથ પર લોબી કે ગેલેરી નથી ત્યાં અમે મંડપની વ્યવસ્થા કરી છે. વડીલો, પ્રેગ્નેન્ટ મહિલાઓ નાના બાળકો સાથે આવતી મહિલાઓ માટે વેટિંગ એરિયાની વ્યવસ્થા કરી છે. દરેક બૂથ ઉપર અમે 5 ખુરશીઓ વેટિંગ માટે મુકીશું. અમારા પ્રિસાઈડિંગ સ્ટાફને એવી સૂચના આપવામાં આવી છે કે અપંગ, સીનિયર સિટીઝન કે પ્રેગનેટ લેડીઝ વોટર્સ માટે આઉટ ઓફ ટર્નથી મતદાન કરાવી લેવું.