કચ્છ: લોકસભાની ચૂંટણી મતદાનના દરેક તબક્કા પૂર્ણ થતા હવે 4 જૂનના મત ગણતરી થયા બાદ કયા પક્ષની સરકાર આવે છે, તેના પર બધાની નજર મંડાયેલી છે. તો બે સત્ર સુધી વડાપ્રધાન તરીકે રહેલા નરેન્દ્ર મોદી અને ભાજપના તમામ ઉમેદવારોએ પોતાના પ્રચાર પ્રસાર દરમિયાન 400 પારની વાત કરીને ભાજપની સરકાર બનશે અને વડાપ્રધાન તરીકે ફરીથી નરેન્દ્ર મોદી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જેને લઇને અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.
ભાજપને બહુમતી મળશે તો ફ્રી જલેબી આપવાની જાહેરાત: ભુજમાં વર્ષ 1956થી મીઠાઈની દુકાન ચલાવનાર અરવિંદભાઈ ઠક્કરે 4 જૂનના સાંજે જો મોદીની સરકાર આવશે, ભાજપને મોટી લીડ મળશે અને 400 પાર સીટો મળશે, તો ફ્રી જલેબી આપવાની જાહેરાત કરી છે. દુકાન પર લગાવેલા બેનર પર 'આ અરવિંદભાઈ જલેબીવાળાની ગેરંટી છે' તેવા લખાણ સાથે અબકી બાર 400 કે પારના વિશ્વાસ સાથે મંગળવારે તારીખ 4 જૂનના સાંજે પાંચ વાગ્યાથી મોદી પ્રેમીઓ અને દુશ્મનોને કોઈપણ સર્વે ધર્મ, જાતિ ભેદભાવ વિના નિઃશુલ્ક જલેબી વહેંચશે તેવું જણાવવામાં આવ્યું છે.
ક્રિકેટમાં ભારતીય ટીમના ઉત્કૃષ્ટ દેખાવ પર ખવડાવે છે જલેબી: અરવિંદભાઈ ઠકકર વર્ષોથી ક્રિકેટ અને નરેન્દ્ર મોદીના ફેન છે. તેઓ અત્યાર સુધી દરબાર ગઢ વિસ્તારની દુકાનોમાં 50થી વધારે વાર નિઃશુલ્ક જલેબી લોકો અને વેપારીઓને ખવડાવી ચૂક્યા છે. ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમ ઉત્કૃષ્ટ દેખાવ કરે અને જીત મેળવે ત્યારે પણ તેઓ આસપાસની દુકાનોના લોકોને જલેબી ખવડાવીને ઉજવણી કરતા હોય છે. અગાઉ વેપારી મિત્રો સુધી તેઓ નિઃશુલ્ક જલેબીનું આયોજન સીમિત રાખતા હતા પરંતુ આ વખતે નરેન્દ્ર મોદીની બહુમતી સાથેની જીત પર વિશ્વાસ થતા મોટા પાયે નિઃશુલ્ક જલેબી ખવડાવવાની વાત જાહેર થઈ છે.
અરવિંદભાઈનું નિવેદન: અરવિંદભાઈ જણાવે છે કે આમ તો નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારથી તેઓ તેમના કાર્યથી અને વ્યક્તિત્વથી પ્રભાવિત છે અને છેલ્લા બે સત્રથી વડાપ્રધાન તરીકે પણ તેમણે અનેક કામો કર્યા છે, જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધીએ 10 વર્ષમાં કંઈ નથી કર્યું અને માત્ર ગરીબી દૂર કરવાની અને સહાય આપવાની ગેરંટી આપી રહ્યા છે. ત્યારે આ વખતે નરેન્દ્ર મોદી જીતશે અને ભાજપ 400 પાર આવે કે ના આવે પણ પાક્કું બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ છે.
ભાજપના સભ્ય કે કોઈ ઝુંબેશમાં જોડાયેલ નથી: આમ તો અરવિંદભાઈ કોઈ પણ રીતે ભાજપ પક્ષના સભ્ય કે તેની કોઈ ઝુંબેશ સાથે સંકળાયેલા નથી. પરંતુ તેઓ નરેન્દ્ર મોદીના ફેન છે. અને તેમના કાર્યોથી પ્રભાવિત છે, માટે આવી ઑફર તેમણે પોતાની મીઠાઈની દુકાનમાં રાખી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આમ તો પરિણામના દિવસે બપોરથી જ નિઃશુલ્ક જલેબી વિતરણ કરી શકાય. પરંતુ સાંજે 5 વાગ્યા સુધી લગભગ તમામ બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થઈ જતું હોય છે માટે 5 વાગ્યાથી તેઓ લોકોને 4 જૂનના દિવસે નિઃશુલ્કમાં જલેબીનો સ્વાદ માણવા આપશે.