કચ્છ : 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન છે. કચ્છ લોકસભા બેઠક માટે ભુજ ખાતે આવેલ EVM વેર હાઉસમાંથી વિધાનસભા બેઠક મુજબ EVM-VVPAT ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
EVM-VVPAT ફાળવણી : કચ્છ જિલ્લાના અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર વિધાનસભા દીઠ પ્રથમ ઇલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. તાલીમ અને નિર્દેશનની ફાળવણી બાદ EVM મેનેજમેન્ટ સોફ્ટવેરમાં કુલ 2766 બેલેટ યુનિટ, 2410 કંટ્રોલ યુનીટ અને 2624 VVPAT ઉપલબ્ધ હતા. જેમાંથી 2305 બેલેટ યુનિટ, 2305 કંટ્રોલ યુનીટ અને 2488 VVPAT ની ફાળવણી પ્રથમ રેન્ડમાઈઝેશન અંતર્ગત કચ્છની 6 વિધાનસભા દીઠ કરવામાં આવી છે.
કેટલા EVM-VVPAT ફાળવણી ? વિવિધ વિધાનસભા મતક્ષેત્રને EVM-VVPAT ફાળવણી કરી દેવાયા બાદ હવે બીજા રેન્ડમાઈઝેશનમાં બાકી રહેલા મતક્ષેત્રના વિવિધ બુથમાં EVM-VVPAT ફાળવણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કચ્છ જિલ્લાના દરેક વિધાનસભા મતવિસ્તારને તેના મતદાન મથકની સંખ્યાના 125 ટકા મુજબ બેલેટ યુનિટ, 125 ટકા મુજબ કંટ્રોલ યુનિટ અને 135 ટકા મુજબ VVPAT ફાળવણી કરવામાં આવી છે.
મતદાન મથક પર 2000 કર્મચારી તૈનાત : આજે ભુજની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભુજ વિધાનસભા બેઠકના 303 બુથ માટે EVM અને VVPAT ની ફાળવણી કરવામાં આવી હતી. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમનું સીલ ખોલવામાં આવ્યું હતું. ભુજ વિધાનસભા બેઠક માટેના 1200 જેટલા કર્મચારીઓ આ સમયે હાજર રહ્યા હતા. આ વખતે મતદાન મથક પર હેલ્થ વર્કર પણ તૈનાત રહેશે. આમ કુલ 2000 જેટલા કર્મચારીઓ ભુજ વિધાનસભા બેઠક પરના મતદાન મથકો પર હાજર રહેશે. આજે સ્ટાફને ચૂંટણીલક્ષી સામગ્રી અને મતદાન માટે EVM અને VVPAT ની ફાળવણી કરવામાં આવી હતી.
વિધાનસભા બેઠક મુજબ બુથ : અબડાસા વિધાનસભા બેઠક પરના 373 બુથ, માંડવીમાં વિધાનસભા બેઠક પરના 280 બુથ, ભુજ વિધાનસભા બેઠક પરના 301 બુથ, અંજાર વિધાનસભા બેઠક પરના 292 બુથ, ગાંધીધામ વિધાનસભા બેઠક પરના 309 બુથ, રાપર વિધાનસભા બેઠક પરના 293 બુથ અને મોરબી વિધાનસભા બેઠક પરના 295 બુથમાં EVM-VVPAT ફાળવણી કરવામાં આવી હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત : BU, CU ની ફાળવણી સમયે ભુજ પ્રાંત અધિકારી, ભુજ શહેર મામલતદાર તેમજ વિધાનસભા બેઠકના મામલતદાર અધિકારી, ચૂંટણી શાખાના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.