વલસાડઃ આજે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત વલસાડ-ડાંગ બેઠકની મતગણતરી વલસાડ ખાતે પાઘડાવાળા નજીક આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં યોજાઈ હતી. સવારે 8:00 વાગ્યાથી કુલ 24 જેટલા રાઉન્ડમાં મત ગણતરી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલ પટેલને 2,13,628 મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. ધવલભાઈએ વિજયનો યશ કાર્યકર્તાઓની નિષ્ઠાપૂર્વકની કામગીરીને આપ્યો છે.
કોને કેટલા મત મળ્યા?: વલસાડ-ડાંગ લોકસભા બેઠક માટે આજે વલસાડના ભાગડા વાળા ખાતે આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ પટેલને કુલ 7,60,932 મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના અનંતભાઈ પટેલને 5,47,307 મતો મળ્યા હતા. બહુજન સમાજ પાર્ટીના મકનભાઈને 7,497 મતો, બહુજન રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ઉમેશ મગન પટેલને 2,813, વીરો કે વીર ઈન્ડિયન પાર્ટીના ઉમેદવાર જયંતિ ખંડુભાઈ સાળોને 4,762, અપક્ષ ઉમેદવાર ચિરાગ ભરતભાઈ પટેલને 3,432, અપક્ષ ઉમેદવાર રમણ કરસનભાઈ પટેલને 6,732, જ્યારે નોટામાં 18,169 મતો થયા હતા.
ભાજપની જીતના મુખ્ય કારણો: ભારતીય જનતા પાર્ટીની જીતના મુખ્ય કારણો પૈકીનું મહત્વનું કારણ છે કે સૌથી વધુ લીડ શહેરી વિસ્તારમાંથી મળી છે જેમાં પણ વલસાડના 32 ગામો અને પારડી ઉમરગામ અને વાપી ઉદ્યોગ નગર વિસ્તારમાંથી તેમજ નગરપાલિકા ક્ષેત્રમાંથી પ્રથમ 10 રાઉન્ડમાં ભાજપને જંગી લીડ મળી હતી એટલે કે શહેરી કક્ષાના લોકોએ ભાજપ ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો જેની સાથે સાથે ધરમપુર વિસ્તારમાંથી પણ ભાજપને લીડનું મહત્વનું માર્જિન મળ્યું હતું શહેરી વિસ્તારમાં મોદી મેજિક ચાલ્યું હતું જ્યારે ગ્રામીણ કક્ષાએ પણ વિવિધ યોજના અને વિકાસલક્ષી કાર્યોને જોતા લોકોએ ઉમેદવારને નહીં પરંતુ મોદીને વોટ કર્યો હતો.
ભાજપને 56.26 ટકા મતોઃ વલસાડ-ડાંગ લોકસભા બેઠક ઉપર 13,52,413 જેટલું કુલ મતદાન થયું હતું જેમાં બેલેટ પેપરનું મતદાન 10,243 જેટલું નોંધાયો હતો ત્યારે એ મત ગણતરીના અંતે ભાજપને 56.29 ટકા જેટલા મોતો મળ્યા જ્યારે કોંગ્રેસને 40.49% જેટલા મત મળ્યા હતા આમ કુલ થયેલા મતદાન 72.71% માંથી ભાજપને 40% મત મળ્યા છે જેમાં ભાજપના ઉમેદવારને 2,13,628 ની લીડ પ્રાપ્ત થઈ છે.
કોંગ્રેસની હારના મુખ્ય કારણોઃ કોંગ્રેસના ઉમેદવાર આનંદ પટેલ ની મુખ્ય હાર ના કારણોમાં કોંગ્રેસ પાસે વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર મુખ્ય કાર્યકરોનો અભાવ છે એટલું જ નહીં તેઓનું માઇક્રો પ્લાનિંગ પણ નહિવત જેવું કહી શકાય એમ છે જેની સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ પ્રમુખ પ્રમુખ સહિત માઇક્રો પ્લાનિંગ કરી મતદાનનું આયોજન કરાય છે જેનો સીધો લાભ ભાજપને મળ્યો છે સાથે જ કોંગ્રેસી કાર્યકર્તાઓ નિષ્ઠાપૂર્વક કામગીરી કરવામાં પણ પાછા પડ્યા હોવાનું જણાઈ રહ્યું છે.
કોંગ્રેસ ઉમેદવારે જણાવ્યું કે, અમે છેલ્લા શ્વાસ સુધી આ બેઠકમાં ભાજપને ટક્કર આપી છે. જે પણ પરિણામ આવ્યું છે તે સહર્ષ સ્વીકાર્ય છે. જ્યાં પણ ભૂલ હશે તેને ફરી સુધારી લોકો વચ્ચે જઈ આંદોલનના રસ્તે આગળ ચાલશું. ભલે શહેરી વિસ્તારમાંથી લોકોએ ભાજપને વધુ આપ્યા હોય પરંતુ શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારમાં લોકશાહીમાં મતદાન નું મહત્વ એટલું જ છે અને લોકોએ લોકશાહીમાં મતદાન કર્યું છે તે ખૂબ મહત્વનું છે. જ્યાં પણ ભૂલ થઈ હશે તેને સુધારવાનો ચોક્કસ પ્રયાસ કરીશું.