પાટણ : પાટણના ખાલકશા પીર વિસ્તારમાં આવેલ 42 સી રેલવે ફાટક બંધ કરી આ વિસ્તારના રહીશોને અવરજવર માટે અન્ય જગ્યાએ રસ્તો આપવાની વાત રેલ્વે વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે મુદ્દે સ્થાનિક રહીશો ભારે રોષ જોવા મળ્યો છે. રહીશોએ અન્ડર પાસની માંગને લઈ રેલી યોજી દેખાવ કર્યા હતા અને આ સ્થળ ઉપર જ અન્ડરબ્રીજ બનાવવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.
7000 જેટલા પરિવારોનો વસવાટ : પાટણ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખાલકશા પીરથી સુજનીપુર ચોરમાર પુરાને જોડતા માર્ગ ઉપર સોસાયટીઓ સહિત અન્ય રહેણાંક મકાનો ઘણા વર્ષોથી લોકો વસવાટ કરે છે. આશરે 10 વર્ષના સમયગાળામાં ખાલકશાપીર વિસ્તારમાંથી પસાર થતી રેલવે ફાટક બહાર સાત જેટલી સોસાયટીઓ આવેલી છે. જેમાં 500થી વધુ મકાનોમાં આશરે 7000 જેટલા પરિવારો વસવાટ કરે છે.
આ છે સમસ્યા : દિવસ દરમિયાન ખાલકશા પીર નજીકથી પસાર થતી કાંસા ભીલડી બ્રોડગેજ રેલ્વે લાઈનના ફાટક નંબર 42 સી પરથી નાના-મોટા અનેક વાહનો સહિત આસપાસના સ્થાનિક રહીશોની સતત અવરજવર રહેતી હોય છે. ત્યારે આ રેલવે લાઈન પર એક્સપ્રેસ ટ્રેનો સહિત ટ્રેનોની અવરજવર વધવાને કારણે અકસ્માતોના નિવારણને લઈ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ખલકસાબ પીરના માર્ગ ઉપર આવેલી વર્ષો જૂની 42c રેલવે ફાટક બંધ કરવાની રેલ્વે તંત્રની ગતિવિધિને પગલે આ વિસ્તારના રહીશોને ત્રણ કિલોમીટર ફરીને શહેરમાં આવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
લોકસભા ચૂંટણીનો બહિષ્કાર : આ મામલે વિસ્તારના રહીશો દ્વારા ઉગ્ર રજૂઆતો કરી રેલવે ફાટક બંધ કરતાં પહેલા આ સ્થળ ઉપર નીચેથી રેલવે અન્ડરબ્રીજની માગણી કરવામાં આવી હતી. પરંતુ આદિન સુધી અન્ડરબ્રીજ બનાવવા માટે કામગીરી શરૂ ન થતા સોસાયટીના રહીશોએ ફરી મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને બેનર સાથે રેલી યોજી વહીવટી તંત્ર અને રેલવે તંત્ર સામે સૂત્રોચ્ચારો પોકારી દેખાવ કર્યા હતાં. રેલવે અન્ડરબ્રીજની માગણી સત્વરે સંતોષવમાં આવે તેવી માંગ કરી હતી. વિસ્તારના રહીશોની આ માગ પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન સહિત લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા આપવામાં આવી છે. વિસ્તારના રહીશોએ ત્રણ ત્રણ વાર રેલી યોજી દેખાવો કર્યા છે ત્યારે હવે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે ત્યારે તંત્ર દ્વારા આ સ્થળ ઉપર રેલવે અન્ડરબ્રીજ બનાવવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.
ફાટક બંધ થાય તો અનેક મુશ્કેલીઓ : આ ફાટક બંધ કરીને સૂર્યનગર પાસે અન્ડરબ્રીજ બનાવી આપવામાં આવે તો વિસ્તારમાં આવેલી સાત જેટલી સોસાયટીઓના રહીશોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. રસ્તો બંધ થાય તો વિદ્યાર્થીઓ સોસાયટીના રહીશો તેમજ ખેડૂતોને અઢી કિલોમીટર જેટલું અંતર કાપીને શહેરમાં આવવાની ફરજ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ ફાટક બંધ કરવામાં આવે તો સોસાયટીના રહીશોને આર્થિક બોજો પણ સહન કરવો પડશે. તો ખેડૂતોને પણ પોતાના ખેતરોમાંથી ખેત ઉત્પાદનનો માલ બજારોમાં વેચાણ માટે લઈ જવો પણ ખર્ચાળ બનશે. અન્ડરબ્રીજ બનાવવા બાબતે રેલવે વિભાગ ઉપરાંત અન્ય જગ્યાએથી એનઓસી અપાઈ છે. પરંતુ કલેક્ટર દ્વારા એનઓસી નહીં અપાતા રેલવે અન્ડરબ્રીજ બનાવવાનું કામ અધરતાલ થયું છે જેને પગલે રહીશોએ રેલી યોજી રેલ લોકો સહિત આંદોલન કરવાની સાથે સાથે આવનારી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની તૈયારી દર્શાવી છે.