દમણ: સંઘ પ્રદેશ દમણ-દીવ લોકસભા બેઠક પર આજે સવારે 7:00 વાગ્યાથી તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. દમણ-દીવની આ લોકસભા બેઠક પર કુલ પાંચ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં મુખ્ય જંગ ભાજપ-કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવાર વચ્ચે છે. વહેલી સવારથી જ તમામ મતદાન મથકો પર મતદારોની ભીડ જોવા મળી હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત: તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. દમણ-દીવ બેઠક પર ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ લાલુ પટેલે વહેલી સવારે 07:00 વાગ્યે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લાલુ પટેલે પોતાના નિવાસ્થાન નજીક આવેલ કચિગામ નંદઘર ખાતે પોલિંગ બુથ નંબર 67માં મતદાન કર્યું હતું. આ બૂથ પર તેઓ મતદાન કરનારા પ્રથમ મતદાતા બન્યા હતા. જીત માટે પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતા લાલુ પટેલે જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા માટે મતદારો વધુમાં વધુ મતદાન કરે તે જરૂરી છે. તેમણે મતદારોને ઘરથી બહાર નીકળી મતદાન મથકે જઈ મતદાન કરવા અપીલ કરી હતી.
ચોથી વારની ઉમેદવારી: સવારના સાત વાગ્યા પહેલા પોતાના ઘરે પૂજા કરી લાલુ પટેલ મતદાન મથક પર મતદાન કરવા આવ્યા હતા. આ તેમની ચોથી વારની ઉમેદવારી છે આ પહેલા તેઓ હેટ્રિક નોંધાવી ચૂક્યા છે અને ત્રણ વાર સાંસદ રહી ચૂક્યા છે. ચોથી વાર સાંસદ બનવા માટેના વિશ્વાસ અંગે તેમણે જણાવ્યું હતું કે, તેમને સંપૂર્ણ વિશ્વાસ છે. દમણની જનતા પર તેમને ભરોસો છે. પ્રદેશમાં શાંતિ, રોજગાર, વિકાસ માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સારી સરકાર પસંદ કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.