ખેડા લોકસભા બેઠક : જાતિ-જ્ઞાતિ સમીકરણ સાથે વિકાસનો મુદ્દો
ઉમેદવાર : દેવુસિંહ ચૌહાણ (ભાજપ) વિરુદ્ધ કાળુસિંહ ડાભી (કોંગ્રેસ)
ખેડા સત્યાગ્રહથી જાણીતી ખેડા લોકસભા બેઠક પર ભાજપ અત્યાર સુધી ફક્ત ત્રણ વખત જ વિજયી બન્યું છે. સરદાર પટેલના પુત્રી મણીબેન પટેલ ખેડા સાઉથથી 1951માં વિજયી બન્યા હતા. 1996 થી 2009ની સળંગ પાંચ ચૂંટણીમાં કોંગ્રેસના દિનશા પટેલે ભાજપને પરાજિત કર્યા હતા. ભાજપે 1991, 2014 અને 2019 માં ખેડા લોકસભા બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો છે. 2024માં ભાજપે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને ત્રીજી વખત ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીને ઉમેદવાર બનાવી ચૂંટણી રસપ્રદ બનાવી છે.
ખેડા લોકસભા મતક્ષેત્ર હેઠળ કપડવંજ, માતર, મહુધા, નડિયાદ, ધોળકા, દસક્રોઈ અને મહેમદાબાદ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ સાતેય વિધાનસભા બેઠકો 2022 ચૂંટણીમાં ભાજપના ખાતે ગઈ હતી. 2024માં ક્ષત્રિય આંદોલનની અસર ખેડા મતક્ષેત્રમાં પણ થઈ છે. કુલ 20.1 લાખ મતદારો ધરાવતી ખેડા લોકસભા બેઠક પર આ વખતે 58.12 ટકા મતદાન નોંધાયું છે.
ખેડા બેઠક પર કોંગ્રેસના મતદારો છે, પણ કોંગ્રેસે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ખેડાને બાકાત રાખી એક તક ગુમાવી છે. ભાજપે મજબૂત સંગઠન, બૂથ મેનેજમેન્ટ અને પ્રચાર વધુ અસરકારક બનાવીને કોંગ્રેસને મતદાન પહેલા જ માત આપી છે.
મતદાન પૂર્વેના દિવસોમાં ક્ષત્રિય વિરોધ, કોળી સમાજ વિરુદ્ધ રાજ્યના નાણાપ્રધાને કરેલ નિવેદન, વધતી મોંઘવારી અને ભ્રષ્ટાચાર, કોર્પોરેટ કંપનીઓને ફાયદો જેવા મુદ્દા ગ્રામીણ મતદારો સુધી કોંગ્રેસ લઈ ગઈ, પણ શહેરી વિસ્તાર અને શહેરની આસપાસના બહુમતી મતદારો સુધી કોંગ્રેસ પહોંચી શકી નહીં. જેના કારણે કોંગ્રેસે પોતાની વોટબેંકનો પણ સહકાર મેળવી શકી નહીં. વધુ ગરમી અને કોંગ્રેસના શહેરી અને દૂર વિસ્તારમાં ઓછા પ્રચાર સાથે ભાજપના વિકાસ કાર્યો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો અને મોદી ગેરંટી 2024માં ભાજપને ફાયદો કરાવી શકે છે.
- આણંદ લોકસભા બેઠક : કોંગ્રેસ જીતી શકશે, આ વિશ્વાસ ભાજપને પણ છે
ઉમેદવાર : મીતેશ પટેલ (ભાજપ) વિરુદ્ધ અમિત ચાવડા (કોંગ્રેસ)
ચરોતરના પ્રદેશમાં 2024 લોકસભા ચૂંટણી જંગ પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિયનો બની રહ્યો છે. મતદાનના દિવસ પહેલા ચિખોદ્રા ચોકડી ખાતે યોજાયેલ ક્ષત્રિય સભાથી ભાજપના મોવડી મંડળ પણ ચિંતામાં મુકાયા છે. 2024માં કોંગ્રેસ જે બેઠક જીતી શકે છે, એમાં આણંદ લોકસભા બેઠક સૌથી અગ્રસ્થાને છે. ભાજપના મોવડી મંડળ પણ આણંદ બેઠક કોંગ્રેસ જીતી શકે એવો વિશ્વાસ ધરાવે છે.
ભાજપે 2019 લોકસભા ચૂંટણીના ઉમેદવાર મિતેશ પટેલને રિપીટ કર્યા છે. સ્થાનિક સ્તરે મીતેશ પટેલ વિરુદ્ધ અસંતોષ અને વિવાદ હતો. ત્યારે કોંગ્રેસે પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ઉમેદવાર બનાવીને સ્થાનિક સ્તરે ભાજપને પડકાર આપ્યો છે. અમિત ચાવડાનું પારિવારિક બેકગ્રાઉન્ડ કોંગ્રેસી રહ્યું છે. કોંગ્રેસની વોટબેંક આણંદ લોકસભા મતક્ષેત્રમાં છે. ક્ષત્રિય, OBC, અનુસૂચિત જાતિ અને મુસ્લિમ મતદારોની સંખ્યા પાટીદાર મતદારો કરતાં સવિશેષ હોવાથી કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં પણ ફાયદો કરાવે છે.
2019માં આણંદથી ભરતસિંહ સોંલકી ભાજપના મીતેશ પટેલ સામે 1.97 લાખ મતે હાર્યા હતા. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં આણંદ લોકસભા મતક્ષેત્રની સાત વિધાનસભા બેઠકો પૈકી આંકલાવ બેઠક સિવાય છ પર ભાજપ વિજયી બન્યું હતું. આંકલાવ વિધાનસભા બેઠક પરથી 2024 ની લોકસભા ચૂંટણી લડતા અમિત ચાવડા વિજેતા થયા હતા.
ક્ષત્રિય મતદારોની બહુમતી, ક્ષત્રિય નારાજગી, ભરતસિંહ સોલંકીએ જાળવેલો પ્રચાર મોરચો, કોંગ્રેસનું ચૂંટણી મેનેજમેન્ટ, મતદારો સુધી મુદ્દા લઈ જવામાં કોંગ્રેસ આણંદ ખાતે સફળ થઈ છે. ભાજપ પાસે ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો, નરેન્દ્ર મોદીની સભા, મોદીની ગેરંટી મુદ્દા હતા. પણ સ્થાનિક સ્તરે ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો મિજાજ અને આંદોલન, પક્ષમાં અસંતોષ, પક્ષમાં વિરોધ અને અન્ય વિવાદ યથાવત રહેતા મતદારો ભાજપ અને મીતેશ પટેલથી નારાજ હતા. આણંદ લોકસભા મતક્ષેત્રમાં 65.5 ટકા જેટલું મતદાન નોંધાતા હાલ કોંગ્રેસ હરખાય છે, ભાજપ ચિંતામાં છે.
- પંચમહાલ લોકસભા બેઠક : વિકાસના મુદ્દાનો આધાર, આદિવાસી મતદારો નિર્ણાયક બનશે
ઉમેદવાર : રાજપાલસિંહ જાદવ (ભાજપ) વિરુદ્ધ ગુલાબસિંહ ચૌહાણ (કોંગ્રેસ)
પંચમહાલ ઐતિહાસિક અને આધ્યાત્મિક ભૂમિ સાથે હવે ઓટોમોબાઈલ હબ છે. 2002નો ગોધરાકાંડ પંચમહાલના મતક્ષેત્રમાં થયો, જેના થકી ગુજરાત અને દેશનું રાજકારણ ધરમૂળથી બદલાયું છે. 2009થી અસ્તિત્વમાં આવેલી પંચમહાલ બેઠક પર યોજાયેલી ત્રણેય લોકસભા ચૂંટણી ભાજપે જીતી છે.
2024 લોકસભા ચૂંટણીમાં આ બેઠક અંકે કરવા માટે ભાજપે 24 વર્ષથી પક્ષને મતક્ષેત્રમાં સક્ષમ બનાવનાર કાર્યકર્તા રાજપાલસિંહ જાદવને ઉમેદવાર બનાવ્યા. તો કોંગ્રેસે લુણાવાડા વિધાનસભાના હાલના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા. ગુલાબસિંહના પિતા કોંગ્રેસ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. પરિવારની મતક્ષેત્ર વિસ્તારમાં પકડ છે. પંચમહાલ લોકસભા બેઠક હેઠળની સાત વિધાનસભા બેઠકો પૈકી છ બેઠક ભાજપ પાસે તો કોંગ્રેસ પાસે એક બેઠક છે.
અહીં OBC મતદારોની બહુમતી છે, પણ આદિવાસી મતદારો નિર્ણાયક બનશે. 2024માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાએ વિસ્તારમાં આદિવાસી, OBC, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ મતદારોમાં પરિવર્તન માટે ઉત્સાહનો સંચાર કર્યો હતો. પણ ચૂંટણી નજીક આવતા કોંગ્રેસે નવા મતદારોનો વર્તમાન સરકાર સામેના રોષને પરિવર્તિત કરી શકે એવો માહોલ સર્જી શકી નહીં.
ભાજપ મોદી ગેરંટી, રામ મંદિર, હિંદુત્વ અને ઓબીસી અનામતના મુદ્દે મતદારો સુધી પહોંચ્યો. ગુલાબસિંહ ચૌહાણે મતક્ષેત્રમાં પ્રમાણમાં સારો પ્રચાર કર્યો, કોંગ્રેસ સંગઠનના પ્રયાસ સારા રહ્યા છે. ગરમીમાં પણ કુલ મતદાન 58.25 ટકા થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પ્રચાર રેલીમાં કહ્યું હતું કે, ગોધરાકાંડના કારણે ભાજપ અને મારી સરકારની છબી વિરોધીઓએ કરી હતી. મૂળે ભાજપ પ્રભુત્વ ધરાવતી બેઠક પર કોંગ્રેસ 2024માં ટક્કર આપીને આશ્ચર્યજનક પરિણામ મેળવી શકે એમ છે.
- દાહોદ લોકસભા બેઠક : જૂના જોગીઓ વચ્ચેનો જંગ, કોંગ્રેસને દેખાઈ જીતવાની તક
ઉમેદવાર : જસવંતસિંહ ભાભોર (ભાજપ) વિરુદ્ધ ડો. પ્રભાબેન તાવિયાડ (કોંગ્રેસ)
દેશમાં ત્રીજા રાઉન્ડમાં થયેલ ચૂંટણીમાં દાહોદ લોકસભા મતક્ષેત્રના એક બુથ કેપ્ચીંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જેના કારણે આ બુથમાં ફરીથી મતદાન કરાવવું પડ્યું. 2024માં ભાજપે વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોરને રીપીટ કર્યા, તો કોંગ્રેસે 2009માં સાંસદ બનેલા પ્રભાબેન તાવિયાડને ટિકિટ આપી.
દાહોદ લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. રાજસ્થાન-મધ્યપ્રદેશ અને ગુજરાત સરહદની ત્રિભેટે આવેલી દાહોદ લોકસભા બેઠક અંતર્ગત આવતી સાતેય વિધાનસભા બેઠકો પર 2022માં ભાજપનો વિજય થયો હતો. 2024માં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાત પ્રવેશ દાહોદથી થયો હતો. રાહુલ ગાંધીની યાત્રા થકી દાહોદ લોકસભા મતક્ષેત્રના મતદારો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
ભાજપે આદિવાસી બહુમૂલક વસ્તી ધરાવતા વિસ્તારમાં હિંદુત્વ, રામ મંદિર, આદિવાસી વિકાસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો અને મોદીની ગેરંટી જેવા મુદ્દાઓને મતદારો સુધી લઈ જઈ રીઝવ્યા હતા. મતદાનના દિવસે કોંગ્રેસે બુથ કેપ્ચરીંગ અને ધીમા મતદાન અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપનું બૂથ મેનેજમેન્ટ કોંગ્રેસ કરતાં અસરકારક દેખાયું હતું, તો કોંગ્રેસના ઉમેદવાર અને સ્થાનિક સંગઠને કોંગ્રેસના પરંપરાગત મતદારોમાં મતદાન વધે એ પ્રયાસો કર્યા હતા. વધુ ગરમી, ધીમું મતદાન અને ક્યાંક મતદાનમાં વિક્ષેપની ફરિયાદો વચ્ચે દાહોદ લોકસભા મતક્ષેત્રનું મતદાન 59.31 ટકા મતદાન નોંધાયું છે. એક વાત નક્કી છે કે, 2024 માં ભાજપે પોતાની બેઠક બચાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. જેમાં કોંગ્રેસને દાહોદ બેઠક જીતવાની તક દેખાય છે.
- છોટાઉદેપુર લોકસભા બેઠક : "રાઠવા રાજ" યથાવત રહેશે, મોદીની ગેરંટી અને કોંગ્રેસના વચનો વચ્ચે જંગ
ઉમેદવાર : જશુભાઈ રાઠવા (ભાજપ) વિરુદ્ધ સુખરામ રાઠવા (કોંગ્રેસ)
છોટાઉદેપુર લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ સમાજના ઉમેદવાર માટે અનામત બેઠક છે. આ બેઠક પર ચૂંટણી ક્યારે પણ યોજાય, વિજેતા ફક્ત રાઠવા સમાજ જ થાય છે. આ લોકસભા મતક્ષેત્રની બહુમૂલક વસ્તી રાઠવા સમાજની છે. પ્રસિદ્ધ તીર્થ યાત્રાધામ પાવાગઢ આ મતક્ષેત્રના વિસ્તારમાં આવે છે. છોટાઉદેપુર લોકસભા મતક્ષેત્ર હેઠળની સાત પૈકી ચાર વિધાનસભા બેઠકો અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત છે.
2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ મતક્ષેત્ર હેઠળની હાલોલ, છોટાઉદેપુર, જેતપુર, સંખેડા, ડભોઇ, પાદરા અને નાંદોદ બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો હતો. 2022ના મતદાન અને પરિણામને જોતા છોટાઉદેપુર બેઠક ભાજપ માટે સરળ તો કોંગ્રેસ માટે પડકાર બનશે. પણ કોગ્રેસના સુખરામ રાઠવા ચાર ટર્મના ધારાસભ્ય છે અને વિધાનસભા ગૃહમાં વિરોધપક્ષના નેતા રહી ચૂક્યા છે. રાઠવા સમાજને સારી રીતે ઓળખે છે.
જ્યારે ભાજપે ત્રણ ટર્મના સાંસદ રહેલા રામસિંહ રાઠવાને નજર અંદાજ કર્યા, સાથે વર્તમાન સાંસદ ગીતાબેન રાઠવાની ટિકિટ કાપીને આંતરિક વિરોધ અને અસંતોષ પેદા કર્યો છે. ભાજપે વાસેડી ગામના પૂર્વ સરપંચ અને પાયાના કાર્યકર જશુભાઈ રાઠવાને ટિકિટ આપી, જે ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપપ્રમુખ રહ્યા હતા.
ભાજપે આદિવાસી વિકાસની વાત કરી, તો કોંગ્રેસે આદિવાસી ઓળખના મુદ્દાને આગળ ધર્યો. 2024માં છોટાઉદેપુર બેઠક પર 69.15 જેટલું જંગી મતદાન થયું છે. હાલ ભાજપ વધુ મતદાનથી હરખાય છે, સાથે કોંગ્રેસ પણ વધુ મતદાન પરિવર્તન માટે થયું છે એમ માનીને ચાલે છે. છોટાઉદેપુર બેઠક પર 2024માં નવાઈ પમાડે એવું પરિણામ આવે એવો માહોલ છે, સાથે રાજકીય પક્ષોનો વિશ્વાસ છે.
- વડોદરા લોકસભા બેઠક : વિવા, સંઘર્ષ અને અસંતોષ ભાજપ માટે ચિંતાજનક, કોંગ્રેસને બગાસુ ખાતા પતાસુ મળે એવો ઘાટ
ઉમેદવાર : ડૉ. હેમાંગ જોશી (ભાજપ) વિરુદ્ધ જશપાલસિંહ પઢિયાર (કોંગ્રેસ)
વડોદરા લોકસભા બેઠક પર 2024 ની ચૂંટણી ડ્રામાથી કંઈ કમ ન રહી. ભાજપે પહેલી વાર પોતાના ઘોષિત ઉમેદવાર વર્તમાન સાંસદ રંજનબેનને બદલ્યા. જેની સામે પક્ષમાં આંતરિક વિરોધ અને અસંતોષ હતો. ભાજપે નવા ચહેરા તરીકે ઓછા જાણીતા ડો. હેમાંગ જોશીને ચૂંટણી લડાવી.
1998થી ભાજપે સળંગ સાત લોકસભા ચૂંટણી જીતી છે. 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વાર લોકસભાની ચૂંટણી વડોદરાથી લડ્યા અને કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રીને 5.70 લાખ મતે હરાવી પહેલી વાર સાંસદ બન્યા હતા. બાદમાં તેઓએ ઉત્તરપ્રદેશના વારાણસીથી સાંસદ બનવાનું નક્કી કરતા પેટા ચૂંટણીમાં રંજનબહેન ભટ્ટનો કોંગ્રેસના નરેન્દ્ર રાવત સામે 3.29 લાખ મતે વિજય થયો હતો. 2014 અને 2019 એમ બે ટર્મના સાંસદ રંજનબહેનની ઉમેદવારી રદ્દ કરવા માટે પક્ષમાં વિરોધ થયો, અસંતોષ સર્જાયો. જેના કારણે ભાજપે શાખ અને વિશ્વાસ બંને ગુમાવ્યા.
2024માં ભાજપે ડૉ. હેમાંગ જોશીને ચૂંટણી લડાવી તો કોંગ્રેસે જસપાલસિંહ પઢીયારને ઉમેદવાર બનાવ્યા. જશપાલસિંહ પઢિયાર પાદરા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય છે. ભાજપને શહેર અને શહેરની આસપાસના વિસ્તારમાં સારા મત મળે છે. વડોદરા લોકસભા મતક્ષેત્ર અંતર્ગત આવતી સાત પૈકી છ વિધાનસભા બેઠક ભાજપ પાસે, તો એક બેઠક અપક્ષ પાસે છે. હાલ કોંગ્રેસ પાસે એક પણ વિધાનસભા બેઠક નથી.
2024 લોકસભા ચૂંટણીમાં ભાજપે આંતરિક વિરોધ છતાં કોંગ્રેસ કરતા સારું બૂથ મેનેજમેન્ટ કર્યું, સારો પ્રચાર કર્યો. શહેરી મતદારોને શહેરી વિકાસ અને મોદીના નામે મત કરવા પ્રેર્યા. તો કોંગ્રેસે પરિવર્તન, સહકારી ક્ષેત્રે ભ્રષ્ટાચાર, જાતિગત ગણના, કોર્પોરેટ તરફી મૂડીવાદી સરકારના મુદ્દે પ્રચાર કર્યો. વડોદરા બેઠક પર 61.59 ટકા મતદાન થયું છે. 2024 ની ચૂંટણીમાં વિવાદ, સંઘર્ષ, અસંતોષ, ઉમેદવાર બદલી ભાજપ માટે ચિંતાજનક છે, જ્યારે કોંગ્રેસને બગાસુ ખાતા પતાસુ મળે તેવો ઘાટ સર્જાયો છે.