રાજકોટ : અમરેલી ખાતે સોમવારે જેનીબેન ઠૂમરે રક્ત તિલક કર્યા પછી મંગળવારથી પરેશ ધાનાણીએ રાજકોટમાં પોતાના મોરચો કાર્યરત કરી દીધા છે. છેલ્લા 48 કલાકમાં પરેશ ધાનાણીએ સંખ્યાબંધ મંદિરોની મુલાકાત લીધી છે. માં આશાપુરા મંદિરે ક્ષત્રિય સમાજની બહેનો સાથે સંવાદ પણ કર્યો છે અને તેમનો જવતલિયો ભાઈ હોવાથી તેમને તેમનું સ્વાભિમાન પાછું મળે તે માટે આ લડાઈમાં તે પોતાનું સર્વસ્વ દાવે લગાવી દેશે તેવી બાંહેધરી પણ આપી છે.
ભાજપ પર આકરા પ્રહાર : આજરોજ રાજકોટ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ સંબોધતા રૂપાલા વિરુદ્ધ રાજપુતોના સંઘર્ષને સ્વાભિમાનની લડાઈ ગણાવી અને ભાજપનું અભિમાન તોડવું તે દિશામાં રાજકોટના મતદાતાઓને પરેશ ધાનાણીએ અપીલ કરી હતી. ભાજપની ખાનગીકરણ અને જે પ્રકારે નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે તેના પર પ્રહાર કરતા ધાનાણીએ કહ્યું હતું કે. એક તરફ જ્યારે યુવાનો બેરોજગાર છે. મોંઘવારીએ માઝા મૂકી છે અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. ત્યારે દરેક મતદાતાએ પોતાનો મત કોને આપવો જોઈએ, એ વિચારવું જરૂરી છે.
પક્ષપલટુ નેતાઓને કહ્યા કચરો : કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓથી કોંગ્રેસમાં કચરો સાફ થયો છે તેવો દાવો કરતા પરેશ ધાનાણીએ કહ્યું કે, હું ભગવાનનો પાડ માનું છું કે આટલા વર્ષથી જે કચરો કોંગ્રેસમાં હતો તે હવે સાફ થઈ ગયો છે અને એને કારણે જ ભાજપમાં ભાજપના કાર્યકરોને સ્થાન ન મળતા બળતા ઘર જેવી ભાજપની પરિસ્થિતિ છે. બીજી તરફ રાજકોટ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન સાથે થયેલી સમજૂતી મુજબ પરેશ ધાનાણીને સંપૂર્ણપણે ટેકો આપીને લડી લેવાની બાંહેધરી આપી હતી.
રાજકોટની જનતા જોગ અપીલ : લોકસભા ચૂંટણી 2024 માટે રાજકોટ લોકસભા બેઠક પર બંને ઉમેદવાર અમરેલીથી આવતા અમરેલીના વિકાસનો મુદ્દો પણ પરેશ ધાનાણીની પ્રેસ વાર્તામાં છવાયેલો રહ્યો. તેમણે રાજકોટના લોકોને અપીલ કરી કે અમરેલીમાં કયા એવા કામો થયા છે અને ક્યાં એવા કામો નથી થયા તેની તપાસ કરવી જોઈએ અને ત્યાર પછી જ તેમના મત જે તે પક્ષને આપવો જોઈએ.
ભાજપનો વળતો જવાબ : આ દરમિયાન પરેશ ધાનાણીએ રૂપાલાને ભાજપના "સંભવિત ઉમેદવાર" તરીકે સંબોધતા ભાજપના સૌરાષ્ટ્ર-કચ્છનાં પ્રવક્તા રાજુ ધ્રુવે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પરેશ ધાનાણીની પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ જ રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં બહુમાળી સામે આવેલ ગઝેબોમાં રસ્તા પર જ સંબોધન કરતા રાજુ ધ્રુવે ધાનાણીની હાર થશે અને રૂપાલાની જીત થશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજકોટનું ચૂંટણી મેદાન : બે દાયકાથી વધુ સમય પછી પરેશ ધાનાણી અને પુરુષોત્તમ રૂપાલા એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે અને તે પણ સૌરાષ્ટ્રના ગેટવે સમાન શહેર રાજકોટમાં, એટલે આ ચૂંટણી પર તમામ રાજકીય વિશ્લેષકો અને રાજકીય પંડિતોની નજર છે. ખાસ કરીને રૂપાલા વિરુદ્ધ રાજપૂતોના આંદોલનને હવે કઈ દિશા મળશે. આ બધી પરિસ્થિતિ વચ્ચે આજે પરેશ ધાનાણીએ પોતે કઈ રીતે રાજકોટના રણમેદાનમાં ઝંપલાવ્યું છે તેનો દિશા નિર્દેશ સ્પષ્ટપણે આપી દીધો છે.