પોરબંદર: 7 મી મેના રોજ લોકસભાની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણી યોજાનાર છે, ત્યારે પોરબંદર લોકસભા અને પોરબંદર વિધાનસભા બેઠકોના રાજકીય ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં પ્રચાર પડઘમ શાંત થતાં રૂબરૂ જનસંપર્ક શરૂ કરી દીધો છે. પોરબંદરના વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ખારવાવાડમાં પ્રચાર પ્રસાર કરવા નીકળ્યા હતા, જ્યારે બીજી તરફ તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાએ પણ પોરબંદર શહેરના વિવિધ વિસ્તારમાં લોક સંપર્ક થકી જનસમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો છે.
પોરબંદર લોકસભાની સીટ પરના ઉમેદવારોએ પણ પોતાની પ્રચાર પ્રસારની પ્રક્રિયાને શાંત કરી છે, અને હવે અલગ-અલગ વિસ્તારો ગામો અને શહેરોની ગલીઓમાં રૂબરૂ જઈને લોક સંપર્ક કરી રહ્યા છે, પોરબંદરમાં લોકસભા બેઠક પરથી ભાજપના મનસુખ માંડવીયા તથા કોંગ્રેસના લલિત વસોયા અને અપક્ષના નાથાભાઈ ઓડેદરા પણ ડોર ટૂ ડોર પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે.
ભૂતકાળમાં પોરબંદર વિધાનસભાની બેઠક પર મોટાભાગે ગામડા અને શહેરી વિસ્તારના છાયા તથા ખારવાવડ વિસ્તાર નિર્ણાયક રહ્યા છે, આથી પોરબંદરના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાએ આજે સવાર થી ખારવાવાડ વિસ્તારમાં ચાલીને પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો અને મહિલાઓએ તથા સામાજિક આગેવાનો એ ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું, તો મહિલાઓ એ રાખડી બાંધી સૌ સંકટ દૂર થાય અને મોઢવાડીયા વિજેતા બને તેવી પ્રાર્થના કરી હતી .
પોરબંદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાએ પણ પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા રેકડી તથા રિક્ષાઓ અને બેનરો માધ્યમથી જનસમર્થન મેળવવાનો પુરો પ્રયાસ કર્યો હતો અને નિર્ણાયક ગણાતા છાંયા વિસ્તારમાં અને વેપારીઓની મુખ્ય ગણાતી બંગડી બજારમાં વેપારીઓને મળીને લોક સંપર્ક કર્યો હતો.