પોરબંદર: GST ટેક્સ અને કોવિશિલ્ડ વેક્સિન મુદ્દે લલિત વસોયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આગામી 7 મેના રોજ લોકસભાની અને વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર માટે સભાઓ કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદરમાં કોંગ્રેસ દ્વારા કડિયા પ્લોટ ખાતે આંબેડકર ચોકમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ભાજપ પર GST ટેક્સ અને કોવિશિલ્ડ વેક્સિન મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલ આંબેડકર ચોક ખાતે કોંગ્રેસ પક્ષની સભા યોજવામાં આવી હતી.
ભાજપ ફક્ત ઉદ્યોગપતિઓની સરકાર: આ સભામાં પૂર્વ આરોગ્ય મંત્રી ડો. દિનેશભાઈ પરમાર તથા પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર લલિતભાઈ વસોયા અને વિધાનસભા બેઠકના ઉમેદવાર રાજુભાઈ ઓડેદરા ઉપસ્થિત રહ્યા હતા.તેઓએ જનસભા સંબોધી હતી. પોરબંદર બેઠક વિધાનસભાના ઉમેદવાર રાજુ ઓડેદરાએ જણાવ્યુ કે, ઉદ્યોગ અને રોજગારી મુદ્દાને લઇ ભાજપ ચૂંટણી લડી રહી છે. તેમણે ટોન મારતા કહ્યું હતું કે, થવાનું હોય તો જવાનીમાં થઇ જાય ઢળતી ઉંમરે ન થાય. આ ઉપરાંત લોકસભા બેઠકના ઉમેદવાર લલિત વસોયાએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અને તેણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપનું શાસન છે. ભાજપની નીતિ ગામડાના ગરીબો, ખેડૂતો તથા દલિતો વિરોધી રહી છે. ભાજપ ફક્ત ઉદ્યોગપતિઓની સરકાર છે. દેશનો નાનામાં નાનો માણસ મજૂરી કરીને ખાય છે. તેની પાસે પણ GST ટેક્સના નામે નાણાં ઉઘરાવે છે.
જીવન જરૂરિયાતની વસ્તુઓ પર GST: સવારે ઉઠી એ ત્યારથી સૂઈએ ત્યાં સુધી ટેક્સ ભરીએ છીએ. સવારે ઊઠીને બ્રશ કરીએ ત્યારે ટૂથપેસ્ટ, બ્રશ, બાળકોના બિસ્કીટમાં પણ 60 પૈસા GST છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ પર GST ચાલે છે. GSTની આવક ફક્ત અને ફક્ત ઉદ્યોગપતિઓ માટે વપરાય છે. તમે અને હું વિકાસની રાહ જોઈએ છીએ, રોડ રસ્તા સારા બને તેને વિકાસ ન કહેવાય. કોવીશિલ્ડ વેક્સિન કંપનીએ સુપ્રીમ કોર્ટની અંદર સ્વીકાર્યું કે, અમારી વેક્સિનના કારણે લોહી જામી જાય છે અને જે વ્યક્તિએ વેક્સિન લીધી છે. તેને હાર્ટ એટેક આવે છે.
વેક્સિનની મંજૂરી આરોગ્ય મંત્રીએ આપી: વેક્સિનની મંજૂરી આપનાર મારી સામે જે ઉમેદવાર તે દેશનો આરોગ્ય મંત્રી છે. આ આરોગ્ય મંત્રીએ તમારા અને મારા જીવને જોખમમાં મૂકી આ કોવીશિલ્ડ વેક્સિનને મંજૂરી આપી. સુપ્રીમ કોર્ટના હુકમને કારણે આ કંપનીએ ઇલેક્ટોરલ બોન્ડના ભાજપને 50 કરોડથી વધુ નો ફાળો આપ્યો છે. આપણા જીવનના સોદા કર્યા. પ્લેન અથવા ટ્રેનમાં બેસવું હોય તો કોવિડ સર્ટી બતાવવું ફરજીયાત કરવામાં આવ્યું. વેક્સિન વધુમાં વધુ લેવાય તેવા પ્રયત્નો ભાજપ દ્વારા કરાયા હતા.