કચ્છ: કચ્છ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજે ચૂંટણી પંચની ગાઇડલાઈન મુજબ, વહીવટી તંત્ર દ્વારા વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે મતદારો મતદાન મથક સુધી પહોંચવા અસક્ષમ છે, તેવા મતદારો માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મતદાન પ્રક્રિયા હેઠળ સિનિયર સિટીઝન તથા 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓના મતદાન માટે મતદારોના ઘરો ઘર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ઘેરબેઠા મતદાન કરવાનું કર્યું પસંદ: ચૂંટણીપંચ દ્વારા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ, 85 વર્ષથી વધુના વડીલો, 40 ટકાથી વધુની વિકલાંગતા ધરાવતા દિવ્યાંગો અને આવશ્યક સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની તક આપવામાં આવું છે. જેના ભાગરૂપે કચ્છ મોરબી લોકસભા બેઠક પર 85 વર્ષથી વધુ ઉંમરના 14427 મતદારો છે, જે પૈકી 1296 જેટલા મતદારોએ ઘરે બેસીને મતદાન કરી રહ્યા છે. 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવે છે તેવા 13100 જેટલા મતદારો છે જે પૈકી 415 જેટલા મતદારે ઘરબેઠા મતદાન કરી રહ્યા છે. આ ઉપરાંત મતદાનના દિવસે આવશ્યક સેવામાં ફરજ બજાવતા 202 જેટલા કર્મચારીઓ પણ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરી રહ્યા છે.
આવવા જવામાં પડતી તકલીફનો વિકલ્પ: ભુજના 86 વર્ષીય સરદારસિંહજી ક્ષત્રિય દ્વારા આજે ઘેરબેઠાં મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી પંચના આદેશ મુજબ ચૂંટણી તંત્રના કર્મચારીઓએ તેમના ઘેર જઈને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવ્યું હતું. ચૂંટણી પંચે મોટી ઉંમરના વ્યક્તિઓને ઘર બેસીને મતદાન કરવાની તક આપી છે જે ખૂબ સરાહનીય છે. કારણ કે, મતદાન મથક પર આવવા જવામાં તકલીફ પડતી હોય છે. ત્યારે લોકો મતદાન કરવાનું ટાળી નાખતા હોય છે. હવે આ સુવિધા થકી લોકો ઘરબેઠા મતદાન કરી શકશે.
મતદાન માટે અપીલ: ગત ટર્મમાં 80 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓ માટે ઘર બેઠા મતદાનની સુવિધા હતી. જ્યારે હવે 85 વર્ષથી વધુની ઉંમરના માટે આ સુવિધા કરવામાં આવી છે. તો જેટલા પણ મોટી ઉંમરના મતદારો છે. તેમને આ વખતે મતદાન કરવા માટે સારી સવલત રહેશે અને દરેક મતદારોને અપીલ કરી હતી કે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાન અવશ્ય કરે.