સુરત : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મતદાન માટે સી આર પાટીલની અપીલ સામે આવી છે. તેઓએ જણાવ્યું હતું કે દુનિયાની સૌથી મોટી મજબુત લોકશાહીને વધુ મજબુત કરવા માટે આપ સૌને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે હું આપ સૌને અપીલ કરું છું. મતદાનનો અધિકાર જે દેશમાં સરમુખત્યારશાહી છે, જે દેશોમાં લશ્કરી શાસન છે, એમના નાગરુકોને પૂછવું જોઈએ તો ખ્યાલ આવે કે આનું મહત્વ કેટલું છે. આપણે સરળતાથી મતદાન કરી શકીએ છીએ, આપણને મળેલા મતદાનનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ આળસ કે અન્ય કારણોસર મતઅધિકારનો ઉપયોગ નહી કરવાને કારણે આપણી મજબુત લોકશાહીને લાંબા ગાળે નુકશાન થવાની શક્યતા છે.
મતદાન માટે સી આર પાટીલની અપીલ : સાથે તેઓએ જણાવ્યું હતું કે, પહેલા કરતા મતદાન કરવા માટેની જાગૃતિ આવી છે, ઈલેકશન કમિશન અને અલગ અલગ એનજીઓ પણ બધાને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવે છે. એના કારણે પણ મતદાનની ટકાવારીમાં વધારો થયો છે.
મારી આપ સૌને વિનંતી છે કે આપને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરો, આપણી લોકશાહીને વધુ મજબુત કરો, અને પહેલીવાર જે યુવાનોને મતદાનનો અધિકાર મળ્યો છે સ્વાભાવિક છે એમને એનો આનંદ પણ હશે. હું એ સૌને પણ વિનતી છે કે આપણા દેશની લોકશાહીને વધુ મજબુત કરવામાં આપનું યોગદાન આપો અને અપાવો...સી. આર. પાટીલ (પ્રદેશ પ્રમુખ, ભાજપ )
ગેરસમજને દૂર કરવામાં સફળતા મળી : વધુમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં નવસારી સંસદીય મતવિસ્તારની 4 વિધાનસભા આવે છે. જેમાં મજુરા, ચોર્યાસી, ઉધના અને લીંબાયત વિધાનસભા છે. આ ચારેય વિધાનસભા મળીને અંદાજીત 13 લાખ મતદારો નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે. સુરતની લોકસભા બેઠક બિનહરીફ થવાના કારણે સુરતમાં હવે મતદાન નહી થાય એ પ્રકારની ગેરસમજ નવસારી સંસદીય મતવિસ્તારમાં છે. કલેકટરે પણ પ્રેસ કરીને બધાને જાણ કરી છે. મીડિયાએ પણ લોકોને સમજ આપવાનો પુરતો પ્રયત્ન કર્યો છે. મહંદઅંશે એ ગેરસમજને દૂર કરવામાં સફળતા તો મળી છે.