જુનાગઢ: લોકસભા મત વિસ્તારમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાવા જઈ રહી છે. ત્યારે જૂનાગઢના એમ.જી રોડ વિસ્તારમાં આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. મતદાન શરૂ થાય તે પૂર્વે 48 કલાકમાંં તમામ રાજકીય પાર્ટીના બેનર, ધજા, પતાકા ઉતારી લેવામાં આવતા હોય છે. પરંતુ જૂનાગઢના એમ.જી રોડ પર ભાજપ અને કોંગ્રેસના ધજા પતાકા આજે પણ ફરકતા જોવા મળ્યા હતા.
આદર્શ આચાર સંહિતાનો ભંગ: આવતીકાલે જુનાગઢ લોકસભા બેઠક પર મતદાન પ્રક્રિયા શરૂ થશે. ત્યારે ચૂંટણી પ્રચાર મતદાનને 48 કલાકનો સમય બાકી છે. ત્યારે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા હોય છે. આ સમય દરમિયાન રાજકીય પક્ષોના બેનર, પતાકા, ધજા સહિત પાર્ટી અને ઉમેદવારોનો પ્રચાર જાહેર માર્ગો પર ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા તમામ ચૂંટણી સામગ્રી માર્ગ પરથી દૂર કરવામાં આવતી હોય છે. દિવાલ પર દોરેલા રાજકીય પાર્ટીના ચૂંટણી ચિત્રોને પણ કલરથી દૂર કરવામાં આવે છે. પરંતુ આજે બપોરના 12:00 કલાકે જૂનાગઢના હાર્દસમા એમ.જી રોડ પર ભાજપ અને કોંગ્રેસના ચૂંટણી ધજા અને પતાકાઓમાં બંને રાજકીય પાર્ટીઓનું ચૂંટણી ચિન્હ લગાવવામાં આવ્યું હતું અને તે ફરકતા જોવા મળ્યા હતા.
જાહેર માર્ગો પર આજે પણ પ્રચાર: ચૂંટણી પંચ દ્વારા મતદાનને બે દિવસ પૂર્વે તમામ પ્રકારનો ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવતો હોય છે. ત્યારે જુનાગઢના એમ.જી રોડ પર આજે પાર્ટીની ધજા લગાવેલી જોવા મળે છે. જે વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના ચૂંટણી ચિન્હવાળી ધજા લગાવેલી છે. ત્યાંથી 3થી 4 મતદાન મથકો બિલકુલ 500 મીટર કરતા પણ ઓછા અંતરે આવેલા છે. આવી પરિસ્થિતિમાં મતદાનના દિવસે આદર્શ આચાર સંહિતાનો અમલ થશે કે, કેમ તેને લઈને પણ સવાલો ઉભા થયા છે. સામાન્ય રીતે ચૂંટણી પંચ દ્વારા રાજકીય પ્રચાર સાહિત્યને મતદાન પૂર્વે દૂર કરવામાં આવતું હોય છે. પરંતુ જુનાગઢના એમ.જી રોડ પર શરતચૂકથી કે ઈરાદાપૂર્વક આ પ્રકારની ધજા દૂર કરવામાં આવી નથી.આને આદર્શ આચારસંહિતાના ભંગ સાથે સરખાવી શકાય.