જુનાગઢ: જુનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે. ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી અને કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરાએ ઉમેદવારી પત્ર ભરવાની સાથે તેમની મિલકત અભ્યાસ અને તેમના પર પોલીસ કિસ્સાનો ઉલ્લેખ એફિડેવિટમાં કરવામાં આવ્યો છે.
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની એફિડેવિટ: માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રની સાથે તેમની એફિડેવિટ રજૂ કરી છે. જેમાં તેમના અભ્યાસ મિલકત પોલીસ કેસ સહિત અન્ય વિગતો નોંધવામાં આવી છે. જે મુજબ કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરા નવ ધોરણ સુધીનો અભ્યાસ ધરાવે છે. હરિભાઈ કણસાગરાએ જાહેર કરેલી મિલકત અનુસાર, તેમની પાસે હાથ પર 09 લાખ કરતાં વધુની રોકડ પત્ની પાસે 05 લાખ કરતાં વધુની રોકડ તેમજ પતિપત્ની અને પરિવારના નામે કુલ 02 કરોડ 50 લાખની જંગમ અને 09 કરોડ પચાસ લાખની સ્થાવર મિલકત મળીને કુલ 10 કરોડ 68 લાખની મિલકત હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે. આ સિવાય તેમની સામે રાજકોટમાં બોગસ દસ્તાવેજને આધારે પ્લોટ પર કબજો કરી પૈસા માંગવાનો ગુનો પણ રજીસ્ટર થયેલો છે. જે આજ દિન સુધી પેન્ડિંગ હોવાનું તેમની એફિડેવિટમાં સામે આવ્યું છે.
ભાજપના ઉમેદવારની વિગતો: માણાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા માણાવદરના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી પાસે જે મિલકત છે, તેનો ઉલ્લેખ કરાયો છે. ભાજપના ઉમેદવાર અપરણિત છે. જેથી તેમની વ્યક્તિગત હાથ પરની રોકડ માત્ર 15000 રૂપિયા છે. જ્યારે જંગમ મિલકત 1,29,000 ની સાથે સ્થાવર મિલકત 98 લાખની જમીન હોવાનું સામે આવ્યું છે. આ જમીન પર 03 લાખ કરતાં વધુનું કોડવાવ સહકારી મંડળીનું દેવું છે તેવો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે. ભાજપના ઉમેદવાર વાહનમાં માત્ર એક બાઈક ધરાવે છે.