ગાંધીનગર: ગુજરાતનું પાટનગર ગાંધીનગર ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો લોકસભા મત વિસ્તાર છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 23 હજાર કરોડના વિકાસ કાર્યો થયા હોવાનો ભાજપ નેતાઓનો દાવો છે. પરંતુ નેતાઓના દાવાથી વિપરીત જમીની હકીકતો જોવા મળે છે.
ઉવારસદમાં છ તળાવ આવ્યા છે: ગાંધીનગર શહેરને અડીને આવેલું ઉવારસદ ગામ છે. ઉવારસદમાં છ તળાવ આવ્યા છે. આ તળાવ ગામની આસપાસની જમીનમાં પાણીનું સ્તર ઊંચું રાખવામાં મહત્વનું યોગદાન આપે છે. પરંતુ આ તળાવની સંભાળ લેવામાં તંત્ર ક્યાંકને ક્યાંક ઉણુ ઉતર્યું છે. કર્ણાવતી યુનિવર્સીટી પાસે આવેલો તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. તળાવમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઢગલો પડ્યો છે. તળાવના પાણીમાંથી ભયંકર દુર્ગંધ આવી રહી છે. દુર્ગંધ એટલી તીવ્ર છે કે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોએ પણ નાક પર રૂમાલ રાખવો પડે છે.
ડાળખા સહિતનો કચરો પાણીમાં પડે: ઉવારસદ ગામના તળાવમાં ગાંડા બાવળ સહિતની વનસ્પતિનું સામ્રાજ્ય ઊભું થયું છે. આ વનસ્પતિના પાન અને ડાળખા સહિતનો કચરો પાણીમાં પડે છે. આ કચરો તીવ્ર દુર્ગંધ ઉત્પન્ન થાય તેવો છે. Etv ભારતની ટીમે તળાવમાં ફેલાયેલી ગંદકી અંગે ગ્રામ લોકોનો મત જાણવા માટે પ્રયાસ કર્યો હતો. ઉવારસદ ગામના કેટલાક લોકો આ મુદ્દે ખૂલીને બોલ્યા હતા. જ્યારે કેટલાક લોકોએ ટીપણી કરવાનો ઇનકાર કર્યો હતો.
તળાવમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી છે: ઉવારસદ ગામના વતની આશિક પટેલે જણાવ્યું કે, "અમારા ગામમાં છ તળાવો આવેલા છે. આ તળાવમાં ગામનો વરસાદ પાણી સંગ્રહ કરવામાં આવે છે. પ્રથમ વરસાદ પડતા ગામની ગંદકી યુક્ત પાણી તળાવમાં એકત્ર થયું છે. આ ગંદકી યુક્ત પાણીને કારણે તળાવમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી છે. તળાવના ગંદા પાણીને કારણે રોગચાળો ફેલાવવાની સંભાવના છે. તેથી અમે તળાવની સાફ-સફાઈ માટે સરકારને વિનંતી કરીએ છીએ."
જાહેર આરોગ્ય સામે જોખમ: તેમણે વધુમાં જણાવ્યું કે, ખડીયાસર તળાવ કુવારસદ ગામનું પૌરાણિક તળાવ છે. આ તળાવ પાસે અંત્રેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અંતેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે મહાદેવ મંદિર ખાતે લોકમેળો પણ યોજાય છે. મેળા સમયે પણ આવી ગંદકી રહેશે તો જાહેર આરોગ્ય સામે જોખમ ઊભું થવાની સંભાવના છે. તેથી અમે ખડીયાસર તળાવને વહેલી તકે સાફ કરવા માટે સરકારને વિનંતી કરીએ છીએ. તળાવનું પાણી પશુઓ પીવે છે. આ પાણીમાં ગંદકી દૂર થાય તો પશુઓ ઉપરાંત માનવીને પણ ઉપયોગમાં આવી શકે છે.
પાણીજન્ય રોગો ફેલાતા અટકાવી શકાય: ઉવારસદ ગામના અન્ય એક રહીશ લખીબેને જણાવ્યું કે, "વરસાદને કારણે ગામના તળાવમાં ગંદકી એકત્ર થઈ છે. જો તળાવને ગંદકી સાફ કરવામાં આવે તો ચોમાસામાં પાણીજન્ય રોગો ફેલાતા અટકાવી શકાય છે. તળાવના પાણીમાં ગંદકીને કારણે મચ્છર સહિતના જંતુઓનો ત્રાસ છે. રાત્રે માખી અને મચ્છર ઊંઘવા પણ નથી દેતા. વહેલી તકે આને સાફ કરવામાં આવે તો માંદગી ફેલાતી અટકાવી શકાય છે." હવે સરકારના વિકાસના વાયદાઓ વચ્ચે ઉવારસાડ ગામના આ તળાવો ચોખ્ખા થાય કે નહીં તે જોવું રહ્યું.