રાજકોટ: જિલ્લાના ઉપલેટા શહેરમાં તંત્ર દ્વારા સ્થાનિક લોકોના ખરાબ રસ્તાને સુધારવાને બદલે રસ્તાની વધતી સમસ્યામાં મોરમ સાથે મસ મોટા પથ્થરો નાખીને સમસ્યા ઘટાડવાને બદલે વધારવાનું કામ કર્યું હોવાની સ્થાનિકોની ફરિયાદ સામે આવી છે. આ સમસ્યાને લઈને સ્થાનિક લોકોએ રામધૂન બોલાવી સૂત્રોચાર કરી વિરોધ નોંધાયો છે. જાણો વિગતો આ અહેવાલમાં.
લોકોની સમસ્યા કેવી રીતે વધતી ગઈ?
ઉપલેટા શહેરમાં ચોમાસા બાદ ઘણા વિસ્તારોની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ચૂકી છે. આ ખરાબ પરિસ્થિતિમાં શેરી ગલીઓમાં પાણી ભરાવા, ખરાબ રસ્તા, રસ્તાઓમાં કાદવ-કીચડ, ખાડાને કારણે સ્થાનિક લોકોને હાલ ખુબ જ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીએ ઉપલેટા શહેરની તો અહીંયા ઉપલેટા શહેરમાં એક એવો પણ વિસ્તાર જોવા મળ્યો છે જેમાં ખરાબ રસ્તાની સમસ્યા ઉદ્ભવી હતી. ત્યારે સ્થાનિક લોકોને ઉદભવતી સમસ્યા દૂર કરવા માટે મોરમ પાથરી છે પરંતુ મોરમ પાથરતાની સાથે જ લોકોની સમસ્યા જાણે નગરપાલિકાએ દૂર કરવાને બદલે વધારી દીધી છે. કારણ કે, વરસાદ બાદ ઉપલેટા નગરપાલિકા દ્વારા રસ્તા પર નાખવામાં આવેલા મોરમની સાથે એટલા મોટા પથ્થરો નાખવામાં આવ્યા છે જેથી હવે લોકોને ચાલવામાં પણ મોટી તકલીફ પડી રહી છે.
આ રસ્તા પર નાખેલા મોટા પથ્થરો ના કારણે અહીંયા રહેતા સ્થાનિકો તેમજ અહીંયાથી પસાર થતાં રાહદારીઓના અકસ્માતો સર્જાઇ રહ્યા છે. તેમજ અનેક વિવિધ પ્રકારની તકલીફો અને સમસ્યાઓનો સામનો પણ વારો આવ્યો છે. ત્યારે આ પ્રકારની સમસ્યા અને તકલીફોના કારણે સ્થાનિકો એકત્રિત થઈ રોડ પર રામધૂન બોલાવી નગરપાલિકા વિરુદ્ધના સૂત્રોચાર કર્યા છે.
શું કહે છે સ્થાનિક રહેવાસીઓ?
આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઉપલેટા શહેરના વોર્ડ નંબર છ વિસ્તારમાં આવેલ આ મારૂતિ સોસાયટીમાં છેલ્લા ત્રીસ વર્ષથી રહેણાંક મકાનો આવેલા છે. જ્યાં ચોમાસા દરમિયાન છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે. તેમજ ખરાબ રસ્તાને કારણે કાદવ-કિચનનું પણ સામ્રાજ્ય બની જાય છે. આ સમસ્યાને લઇને સ્થાનિકો દ્વારા ઉપલેટા નગરપાલિકા તંત્રને લેખિત ફરિયાદ કરી છે પરંતુ ફરિયાદનું તો પાલિકા તંત્ર અન્ય બાબતોની જેમ જ કોઈપણ જાતનું નક્કર પરિણામ તંત્ર દ્વારા નથી લાવવામાં આવતું. જેના કારણે અહીંયા રહેતા લોકો મુશ્કેલી અને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
અહીંયાની સમાયાઓને લઈને સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા થોડા દિવસ પહેલા જ એક લેખિત ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ફરિયાદીના જણાવ્યા પ્રમાણે, વરસાદી પાણીના નિકાલ માટે અહીંયા જે પાઇપલાઇન નાખેલી છે તેમાં ક્ષતિ હોવાથી પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી. તેમજ સોસાયટીની આજુબાજુમાં જમીન પર કમ્પાઉન્ડ વોલ ફીટ કરવામાં આવી છે જેના કારણે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને પાણી નિકાલ ન થતા પાણીનો ભરાવો પણ થાય છે. અહીંયા વરસાદ બાદ પાણી ભરાવાના કારણે મચ્છરો, ગંદકી અને કાદવ-કીચડનું પણ સામ્રાજ્ય ઊભું થાય છે અને આ મચ્છરના કારણે મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે. જેથી મોટાઓ સહિત બાળકો આ મચ્છરજન્ય રોગચાળાનો ભોગ પણ બની રહ્યા છે.
લેખિત ફરિયાદમાં શું જણાવે છે નાગરિકો
અહીંયાના જાગૃત નાગરિક દ્વારા વધુમાં લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, અહીંયાની સોસાયટીમાં આવવા જવા માટેનો એક જ રસ્તો છે તેમાં પણ ઉપલેટા નગરપાલિકા દ્વારા ચોમાસાની શરૂઆતમાં જ ખોદકામ કરી માટી નાખીને ખોદકામને દાટી દીધું છે. જેથી વર્તમાન સમયની અંદર ચોમાસા દરમિયાન એકમાત્ર રસ્તો છે. જે અહીંયાની સોસાયટીમાં આવન જાવન માટેનો છે. તે રસ્તો ખરાબ થઈ ગયો છે અને ચોમાસા દરમિયાન ઘણી વખત મુશ્કેલી પડે છે તથા રસ્તો બંધ પણ થઈ જાય છે. ત્યારે આ રસ્તો બંધ થવાના કારણે લોકોને બહારથી અંદર આવવું કે અંદરથી બહાર જવાની અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે બહારના લોકોને બહાર રહેવું પડે છે. અંદરના લોકોને અંદર જ રહેવું પડે છે તેવો રસ્તો બની જાય છે. આ ઉપરાંત અહીંયા નજીકમાં આવેલા ખેતરોમાંથી વરસાદ બાદ ખેતરોના પાણી આવી જાય છે અને સોસાયટીનો સંપર્ક તૂટી જાય છે જેથી સ્થાનિકોની મુશ્કેલી વધવા લાગે છે.
ઉપલેટા શહેરના વોર્ડ નંબર છ વિસ્તારમાં આવેલ મારૂતિ સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, ચોમાસાના વરસાદ દરમિયાન અહીંયા ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે. આ પાણી ભરાયા બાદ પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે લોકોની ઘરવખરીઓમાં પણ નુકસાની થઈ જાય છે ત્યારે ચોમાસાના વરસાદ બાદ ખરાબ પરિસ્થિતિ માટે ઉપલેટા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અહીંયા તેમની કોઈપણ પ્રકારની સાર સંભાળ લેવા આવતા નથી. ઉપરાંત જે કોઈ અધિકારી આવે છે તે દૂરથી દર્શન કરી જતા રહે છે, તેવી પણ સ્થાનિકોએ વ્યથા વર્ણવી છે.
બાળકોની સ્કૂલની બસ પણ આવતી નથી
અહીંયાના સ્થાનિકોની આ પ્રકારની સમસ્યામાં વરસાદ બાદ ખરાબ થયેલો રસ્તો તંત્ર દ્વારા રિપેર કરવામાં આવે તેવી માંગ કરી હતી. જેના પરિણામે ખરાબ રસ્તા પર નાખવામાં આવેલી મોરમ અને તેમની સાથે આવેલા મસ મોટા પથ્થરોના કારણે જે ભૂતકાળમાં વાહનો ચાલી શકતા હતા તે હવે નથી ચાલી શકતા પરંતુ હવે વાહનો તો ઠીક પરંતુ લોકોને ચાલવામાં પણ ખૂબ તકલીફ પડી રહી છે, તથા લોકોના અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે આ સમસ્યામાં હવે બાળકોની શાળાની સ્કૂલ બસો પણ નથી આવતી. તેમજ અહીંયા નગરપાલિકાના કચરા કલેક્શનની પણ કોઈ પણ પ્રકારની ગાડી આવતી નથી તેવી ફરિયાદ કરી છે.
આ ઉપરાંત અહીંયા ઉપલેટા નગરપાલિકાના અધિકારીઓ કે જવાબદાર કચેરીને ટેલીફોનિક જાણ કરવામાં આવે છે તો કોઈપણ તેમનો ફોન ઉપાડતા પણ નથી કે તેમની તકલીફ અને સમસ્યાને દૂર કરવા માટે પોતાની નૈતિક જવાબદારી નથી નિભાવતા તેવી પણ ફરિયાદ કરી છે. ત્યારે જવાબદાર તંત્ર યોગ્ય કામગીરી નહીં કરે તો આગામી દિવસોની અંદર સ્થાનિકો એકત્રિત થઈ આગળના પગલાઓ લેશે અને આગળના કાર્યક્રમો યોગ છે તેવું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: