અમરેલી : સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં સિંહ પરિવાર વસવાટ કરે છે. આ સિંહ પરિવાર ગ્રામીણ વિસ્તારમાં શિકારની શોધમાં અવારનવાર ધામા નાખતા હોય છે. હાલમાં જ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામે રાત્રીના સમયે એક સાથે પાંચ સિંહ આવી ચઢ્યા હતા. બાદમાં સાવજના ટોળાએ એક પશુનો શિકાર કર્યો અને મિજબાની માણી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
અમરેલીનો વાયરલ વીડિયો : અમરેલી જિલ્લાના 11 તાલુકામાં સિંહ વસવાટ કરે છે અને અવારનવાર જંગલ છોડી ગ્રામીણ વિસ્તારમાં શિકારની શોધમાં આવતા હોય છે. શિકાર કર્યા બાદ સિંહ જંગલ તરફ પરત ફરતા હોય છે. જેના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ત્યારે સિંહનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો જાબાળ ગામનો હોવાનું સામે આવ્યું છે.
મારણ કરી મિજબાની માણતા સાવજ : સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં સિંહ અને સિંહણ સહિત પાંચ જેટલા સાવજ આવી ચડ્યા હતા. આ સાવજના ટોળાએ એક પશુનું મારણ કર્યું હતું. રાત્રીના સમયે અંદાજે ત્રણ વાગ્યે લિન્ડકડીની નેવડીના પુલ પર સિંહ અને સિંહણના ટોળાએ એક પશુનું મારણ કરી મિજબાની માણી હતી. આ સમગ્ર બનાવનો વીડિયો કોઈએ પોતાના મોબાઈલ કેમેરામાં ઉતારી લીધો હતો. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.