જુનાગઢ: હવામાન વિભાગ દ્વારા પાછલા ત્રણ દિવસથી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા માટે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. બે દિવસ સુધી મેઘરાજાએ જુનાગઢ અને સોમનાથને ઘમરોળ્યા બાદ આજે જૂનાગઢમાં વરસાદે એકંદરે વિરામ લીધો છે. પરંતુ વેરાવળમાં આજે પણ ધોધમાર ચાર ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. વરસાદી પાણી રહેણાંક મકાનોમાં ઘૂસી જતા ઘર વખરીને પણ નુકસાન થયાના અહેવાલો મળી રહ્યા છે.
લીલાશાહ નગરમાં ઘુસ્યા પાણી: વેરાવળ એસટી ડેપોની નજીક જ આવેલા લીલાશાહ નગરમાં ફરી એક વખત વરસાદી પાણી ઘૂસી જતા સોસાયટીમાં પાણી ભરાયેલા જોવા મળે છે. અહીં 150 કરતાં વધુ પરિવારો રહે છે. જેને કારણે વરસાદી પાણીનો ભરાવો થતા રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેરાવળનું લીલાશાહ નગર પાછલા 40 વર્ષથી દર ચોમાસા દરમિયાન આજ પ્રકારની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. નગરપાલિકાનું તંત્ર ચોમાસા દરમિયાન અહીં ડીઝલ પંપ મૂકીને સોસાયટીમાં ભરાયેલા પાણીને બહાર કાઢવા પૂરતી જ મદદ કરે છે. પરંતુ સોસાયટીમાં પાણી ન ભરાય તે માટેની કોઈ કાયમી વ્યવસ્થા 40 વર્ષ બાદ પણ ઊભી થઈ શકી નથી, જેને કારણે આ વિસ્તારના સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી અને રોષ જોવા મળે છે.
હીરણ ડેમના તમામ દરવાજા ખોલાયા: તાલાલા સુત્રાપાડા અને વેરાવળ વિસ્તારમાં પડેલા અતિભારે વરસાદને કારણે હિરણ સિંચાઈ જળાશય યોજનાના તમામ સાત દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે. હિરણ ડેમમાં પાણીની કુલ સંગ્રહ શક્તિની સામે 80 ટકા જેટલું પાણી ભરાઈ ચૂક્યું છે. જેને કારણે ડેમના તમામ સાત દરવાજા ખોલવાની જિલ્લા વહીવટી તંત્રને ફરજ પડી છે. ડેમના દરવાજા ખુલતા હિરણ નદીના પટમાં અને નિચાણ વાળા વિસ્તારના ગામ લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.