કચ્છ: કચ્છના પ્રવાસનને વધુ વેગ મળે તેવી રાજ્ય સરકારની યોજનાને કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2023માં મંજૂરી આપી હતી અને કચ્છના બન્નીના ઘાસિયા મેદાનોમાં ફરીથી ચિત્તા જોવા મળશે. રાજ્ય સરકારના બન્નીના ઘાસિયા મેદાનોમાં ચિત્તાના બ્રીડિંગ સેન્ટર શરૂ કરવાના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ બન્નીના ઘાસિયા મેદાનો ચિત્તા માટેનું ઉત્તમ અને અનુકુળ રહેઠાણ હતું. કાળક્રમે ચિત્તા આ વિસ્તારમાં લુપ્ત થતા ગયા.
નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની પ્રોજેક્ટ પર નજર: રાજ્ય સરકારે ગુજરાતમાં ચિત્તાની સંખ્યામાં વધારો થાય અને સાથો સાથ ચિત્તા બ્રીડિંગ સેન્ટર શરૂ થાય તે માટે ચિત્તા બ્રીડિંગ સેન્ટરનો એક પ્રોજેક્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને મંજૂરી માટે મોકલી આપ્યો હતો. કેન્દ્ર સરકારની સંસ્થા નેશનલ કોમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ ઓથોરિટીએ પોતાની કાર્યકારી સમિતિની બેઠકમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી આ પ્રોજેક્ટની પ્રગતિ પર નજર રાખશે.
152 વર્ષ બાદ કચ્છમાં જોવા મળશે ચિત્તા: ઉલ્લેખનીય છે કે કચ્છમાં 152 વર્ષ બાદ ચિત્તાની ઘરવાપસી થઇ રહી છે. વનવિભાગ દ્વારા બન્નીના ઘાસીયા મેદાનમાં ચિતા બ્રીડિંગ સેન્ટર પ્રોજેક્ટને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દેશમાં ચિત્તા માટે મધ્યપ્રદેશના કુનો બાદ કચ્છના ઘાસિયા મેદાનો ચિત્તા માટેનું બીજું ઘર બની રહેશે. કચ્છના બન્ની વિસ્તારમાં વર્ષ 1872માં ચિત્તા જોવા મળ્યા હતા. ત્યારે આગામી 6 માસમાં 10 ચિત્તા કચ્છમાં લાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે 152 વર્ષ બાદ કચ્છમાં ફરી ચિતા જોવા મળશે.
500 હેક્ટરમાં સમગ્ર પ્રોજેક્ટ: બન્ની ગ્રાસલેન્ડ વનવિભાગના અધિકારી બી.એમ પટેલે જણાવ્યું હતું કે, બન્નીના ઘાસિયા મેદાનોમાં 500 હેક્ટરના વિસ્તારમાં સમગ્ર પ્રોજેક્ટ આકાર પામશે. અને એન્ક્લોઝર બનાવી તેમાં ચિત્તાને રાખવામાં આવશે. હવાઈ માર્ગે 10 જેટલા ચિત્તાને અહિં લાવવામાં આવશે. તેમને સૌપ્રથમ પ્રોટોકોલ મુજબ 45થી 50 દિવસ સુધી ક્વોરેન્ટાઇન બોમામાં ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.
4 મીટરની ઊંચાઈવાળા એન્ક્લોઝરમાં ચિત્તા: ચિતા સંવર્ધન કેન્દ્રમાં 8 જેટલા ક્વોરેન્ટાઇન બોમા બનાવવામાં આવશે અને 8 સોફ્ટ રિલીઝ બોમા બનાવવામાં આવશે. આ ઉપરાંત 4 મીટરની ઊંચાઈવાળા એન્ક્લોઝરમાં ચિત્તા પર વનવિભાગની ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવશે. સાથે સાથે જ આ બ્રીડિંગ સેન્ટરમાં ચોકીદાર, ટ્રેકર અને પશુ ડોક્ટર સહીતની ટીમ પણ તૈનાત રહેશે અને ચિતાની પ્રવુતિ પર મોનીટરીંગ કરશે.
5થી 6 માસમાં કચ્છની અંદર ચિત્તા આવી જશે: અગાઉ મધ્યપ્રદેશના કુનોમાં ચિત્તા લાવવામાં આવ્યા હતા, ત્યારે બન્નીના ઘાસિયા મેદાનોમાં પણ ચિત્તા બ્રીડિંગ સેન્ટરના સંચાલન માટે ટૂંક સમયમાં એસીએફ, આરએફઓ, વનપાલ અને વનરક્ષક સહિતનો સ્ટાફ સ્થાનિક મુલાકાત લેવા જશે. હાલમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી તમામ મંજૂરી મળી ગઈ હોવાનું વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું અને આગામી 5થી 6 માસમાં કચ્છની અંદર ચિત્કા આવી જશે.
સ્થાનિક માલધારીઓને ચિંતા કરવાની કોઈ જરૂર નહીં: સમગ્ર પ્રોજેક્ટ પર નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા નજર રાખવામાં આવી રહી છે, ત્યારે તેના ઉચ્ચ અધિકારી ગોવિંદ ભારદ્વાજે પણ તાજેતરમાં બન્નીની મુલાકાત લઇ સમીક્ષા કરી હતી. તો ચિત્તા માટે બન્નીના ઘાસિયા મેદાનોમાં ગરમી ન થાય તે માટે શેડની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટની જાહેરાત થઈ ત્યારે સ્થાનિક માલધારીઓએ પોતાના પશુધન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ આ પ્રોજેક્ટ અંતર્ગત ચિત્તાઓને બંધ પાંજરામાં ઉછેર કરવામાં આવશે. તેથી સ્થાનિક ઢોર કે પશુપાલકોને કોઈ જ તકલીફ પણ નહિ પડે તેવું અધિકારીએ જણાવ્યું હતું.