ભાવનગર : દરેક ઘરમાં ગૃહિણીઓને ખટાસની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે ગૃહિણીના બજેટમાં લીંબુ ખટાશ લાવી ચૂક્યું છે. ભાવનગર શહેરની શાક માર્કેટમાં લીંબુના ભાવ આસમાને છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ભાવ મળતા નથી. યાર્ડ અને છૂટક વેપારી વચ્ચે લીંબુના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. જેને કારણે ખેડૂત પણ પરેશાન છે અને ગૃહિણી પણ પરેશાન છે. ઉનાળામાં લીંબુની માંગ વધારે રહેતી હોય છે ત્યારે ભાવનગરમાં લીંબુના માર્કેટિંગ યાર્ડમાં અને છૂટક બજારમાં શું ભાવ છે ચાલો જાણીએ અને શું કહે છે સામાન્ય જનતા.
ભાવનગર યાર્ડમાં ખેડૂતને લીંબુના ભાવ નથી મળતા : આકરી ગરમીનો પ્રારંભ થઈ ગયો છે અત્યારે લીંબુની આવક ઓછી જોવા મળતી હોય છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ETV BHARATની ટીમ પહોંચી ત્યારે લીંબુની ગાસડીઓ ઠાલવવામાં આવતી હતી. ખેડૂતોને લીંબુના ભાવ પૂછવામાં આવ્યા તો ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. વલભીપુરના હાજાભાઈ નામના ખેડૂતે જણાવ્યું હતું કે લીંબુના ભાવ મળતા નથી 60 થી 65 રૂપિયા અમને મળી રહ્યા છે. માવઠું થવાને કારણે લીંબુડીમાં ફૂલ પણ ખરી ગયા અને આવક ઓછી થઈ ગઈ છે. સો લીંબુડી હોય તેની સામે ચારથી પાંચ ગાંસડી ભરાતી નથી અને માર્કેટિંગ યાર્ડમાં ભાવ મળતા નથી.
લીંબુના ભાવથી સામાન્ય પ્રજા પણ પરેશાન : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને લીંબુના ભાવ મળતા નથી. પરંતુ જે શાક માર્કેટમાં છૂટક લીંબુનું વેચાણ થયું છે તેને લઈને સ્થાનિક નાગરિકો પરેશાન છે. કારણ કે છૂટક બજારમાં લીંબુ 150 થી લઈને 200 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. જેને કારણે સામાન્ય જનતાને અઢીસો ગ્રામ અથવા તો 500 ગ્રામ લીંબુ લેવા પડે તેવી સ્થિતિ સર્જાય છે. જો કે લીંબુ ખાસ કરીને દાળ,શાકમાં ગૃહિણીઓ ઉપયોગમાં લેતી હોય છે તેને પગલે તેની જરૂરિયાત રોજબરોજની હોય છે. ત્યારે માર્કેટમાં ઊંચકાયેલા ભાવને લઈને ગૃહિણીઓ અને સ્થાનિક જનતા પરેશાન છે. ભાવનગરના નાગરિક રામજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગૃહિણીઓનું બજેટ વીંખાઈ ગયું છે.લીંબુ 150 રૂપિયા કિલો થઈ ગયા છે. જેને કારણે ગતુહિણીઓ મૂંઝાય છે. હવે થોડા ભાવ ઘટે તેવી રાહત મળે તો સારું.
યાર્ડમાંથી છૂટક બજારમાં આવતા લીંબુના ભાવ ડબલ કેમ : લીંબુનો ઉપયોગ ખાસ કરીને ઉનાળામાં લીંબુ શરબત અને લીંબુ સોડામાં થતો હોય છે. સાથે ગૃહિણીઓને પણ રોજની જરૂરિયાત રહેતી હોય છે. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ભાવ મળતા નથી અને છૂટક બજારમાં આવતા જ એ લીંબુના ભાવ ડબલ કઈ રીતે થઈ જાય છે તેને લઈને છૂટક બજારના વેપારી મહિલા સાથે વાતચીત કરતા શીતલબેને જણાવ્યું હતું કે અમે 140થી 150માં લાવીએ છીએ અને 160 થી 180 ની વચ્ચે લીંબુ વેચાણ કરીએ છીએ. હાલમાં પણ લીંબુને લઈને માંગ છે ખરા. આમ યાર્ડથી છૂટક બજારમાં આવતા ભાવો આસમાને પહોંચે છે. જેથી ખેડૂત અને પ્રજા બંને પર માર પડી રહ્યો છે.