સુરત: કેન્દ્રીય પુરુષોત્તમ રૂપાલાથી શરૂ થયેલો વિવાદ હવે ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે પણ દુખાવા સમાન બની ગયો છે. પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાના મામલે રાજ્યભરના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ હતો. છતાં પણ ભાજપ દ્વારા રૂપાલાની ઉમેદવારી યથાવત રાખતા ક્ષત્રિય સમાજે હવે પુરુષોત્તમ રૂપાલા સહિત ભાજપ સામે પણ ખુલ્લો મોરચો માંડી દીધો છે.
ક્ષત્રિય સમાજની બેઠક યોજાઇ: ગત દિવસોમાં રાજ્યના વિવિધ ઝોનમાં ક્ષત્રિય સમાજના સંમેલન થયા હતા. આ સંમેલનોએ વિવિધ ઝોન પસાર કરીને દક્ષિણ ગુજરાતમાં આ લડત પહોંચી છે અને આ લડતના ભાગરૂપે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે ક્ષત્રિય સમાજની એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં આગામી 28 તારીખના રોજ બારડોલી ખાતે દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજના યોજાનાર સંમેલનને લઈને જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સંમેલનમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે અને કઈ રીતે કાર્યક્રમ સફળ થાય તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ આગામી 30 તારીખે કિમ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા એક દિવસીય ધરણાનું પણ આયોજન કરાયું હતું.
રૂપાલાના નિવેદનને લઈ લોકોમાં રોષ: ક્ષત્રિય સમાજના આગેવાન હનીત સિંહ દેસાઈ એ જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કરેલ નિવેદન લઈને સૌ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ક્ષત્રિય સમાજના સંગઠનો દ્વારા બેઠકો યોજવામાં આવી રહી છે છે. કિમ ગામ પાસે મળેલ બેઠકમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમોને લઈને ચર્ચાઓ કરાઈ હતી.