સુરત: જિલ્લા એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે સુરત જિલ્લા ઓલપાડ તાલુકાના માસમા ગામ ખાતેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ પોષડોડાનો 42.685 કિલોગ્રામ જથ્થો ઝડપી લીધો હતો અને એક ઇસમને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
34 વર્ષીય મૂળ રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લાના લોદી તાલુકાનો વતની માંગીલાલ બાબુરામ બિશ્નોઈ હાલમાં ઓલપાડ તાલુકાના માસમા ગામે નીલકંઠ રેસિડેન્સીના રૂમ નંબર 104 માં રહી મજૂરીકામ કરે છે. બાતમીના પગલે ઓલપાડ પોલીસે માંગીલાલ બિશ્નોઈને વનસ્પતિજન્ય માદક પદાર્થ પોષડોડાનો 42.685 કિલોગ્રામ જથ્થો કિંમત રૂપિયા 1,28,055 સાથે તેના રહેઠાણની રૂમમાંથી દબોચી લીધો હતો.
પોલીસે વજન કાંટો અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1,33,255 નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે માંગીલાલ બિશ્નોઈની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, 'માદક પદાર્થ પોષડોડાનો જથ્થો રાજસ્થાનના જોધપુર જિલ્લાના લોહવટ ગામનો વતની લક્ષ્મણ જાખર વેપલો કરવા આપી જતો હતો. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.'