ખેડાઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે નડિયાદ નજીક ભારતીય રેલવેની વડોદરા-અમદાવાદ મુખ્ય લાઈન પર 100 મીટર લંબાઈનો પ્રથમ સ્ટીલ બ્રિજ શરૂ કરવામાં આવ્યો છે. મેક ઈન ઈન્ડિયા અંતર્ગત માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવા માટે સ્વદેશી ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ સ્ટીલ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.
સ્ટીલ બ્રિજ એટ અ ગ્લાન્સઃ જો આ સ્ટીલ બ્રિજની પ્રાથમિક માહિતીની વાત કરીએ તો તેની લંબાઈ 100 મીટર છે, તેનું વજન 1486 મેટ્રિક ટન છે. બ્રિજના લોન્ચિંગ નોઝની લંબાઈ 63 મીટર, વજન 430 મેટ્રિક ટન છે. આ સ્ટીલ બ્રિજ ભુજ જિલ્લાના વર્કશોપમાં બનાવવામાં આવ્યો છે. જે બ્રિજ લોન્ચિંગ સાઇટના સ્થળથી લગભગ 310 કિમી દૂર છે અને તેને ટ્રેઇલરો પર લાદીને નડિયાદ સુધી લવાયો હતો. આ સ્થળ પર સ્ટીલના પુલને કામચલાઉ ટ્રસ્ટલ્સ પર જમીનથી 15.5 મીટરની ઊંચાઈએ એસેમ્બલ કરવામાં આવ્યો હતો. સ્ટીલ બ્રિજને 2 નંબરના જેકની ઓટોમેટિક મિકેનિઝમ સાથે ખેંચવામાં આવ્યો હતો જેની હાઈ ટેન્શન 180 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવે છે. આ બ્રિજનું ફેબ્રિકેટેડ માળખું પરીક્ષણ એસેમ્બલી પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવ્યું છે. જે સ્ટીલ માળખાના અત્યાધુનિક 5-લેયર્ડ પેઇન્ટિંગને અનુસરે છે.
કોરિડોરનો આ 2જો સ્ટીલ બ્રિજઃ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કોરિડોરમાં કુલ 28 બ્રિજીસ પૈકીનો આ 2જો સ્ટીલ બ્રિજ છે. પ્રથમ સ્ટીલ બ્રિજનું લોકાર્પણ સુરત ખાતે રાષ્ટીય ધોરીમાર્ગ નં 53 પર કરવામાં આવ્યું હતું. સ્ટીલ બ્રિજીસ હાઈવે, એક્સપ્રેસવે અને રેલવે લાઈનને પાર કરવા માટે સૌથી અનુકૂળ હોય છે. ભારત પાસે 100થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ભારે અંતરની અને સેમી હાઈ-સ્પીડ ટ્રેન્સ માટે સ્ટીલ બ્રિજ બનાવવાની કુશળતા છે. હવે સ્ટીલ ગર્ડરના નિર્માણમાં આ જ કુશળતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કોરિડોર પર પણ લાગુ કરવામાં આવશે.