ડાંગ: સરકાર દ્વારા દેશના ગામડાઓ સમૃદ્ધ અને વિકસીત થયા હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આદિવાસી જિલ્લો ગણાતા ડાંગના લોકો વિકાસ માટે જંખે છે. ડાંગ જિલ્લાના ગામડા તો ઠીક પરંતુ જિલ્લાના મુખ્ય મથક આહવાના લોકો આજે પણ પાયાની સુવિધાથી વંચિત જોવા મળી રહ્યા છે. આજે સ્થિતિ એવી ઉભી થઈ છે કે,આહવાના લોકોને પાયાની સુવિધાઓ સામે પણ ઝઝુમવાનો વારો આવ્યો છે.
આહવામાં પાયાની સુવિધાનો અભાવ: આહવામાં જિલ્લા ભરમાંથી લોકો કામ અર્થે આવતા હોય છે પરંતુ આહવામાં તો જાણે સમસ્યાઓ સમાપ્ત થવાનું નામ પણ લેતી નથી. લોકોના ઘરોમાં નળ કનેક્શન તો આપવામાં આવ્યા છે પરંતુ છેલ્લાં એક મહિનાથી નળમાં પાણી આવતું નથી. ઉપરાંત ગટરની સમસ્યાનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે. ગટરની પણ યોગ્ય સુવિધાનો અભાવ અહી જોવા મળ્યો છે.
સ્ટ્રીટ લાઇટની કોઇ સુવિઘા નથી: આહવામાં સ્ટ્રીટ લાઇટની કોઇ સુવિધા નથી. આ બઘી હાલાકીનો સામનો આહવાની જનતા કરી રહી છે. જેથી લોકોમાં તંત્ર અને સરકાર સામે ઘણો રોષ જોવા મળી રહ્યો છે. પીવાના પાણી માટે શહેરમાં માત્ર એક જ તળાવ આવેલ છે. જે ઉનાળાની આકરી ગરમી પડતા સુકાઇ ગયુ છે અને તેમાં પણ જળકુંભીનો ભારે ઉપદ્રવ જોવા મળે છે, તળાવ સુકાઇ જવાથી પાણીના તળ ખૂબ ઉંડા થઇ ગયા છે એટલે મૂંગા પશુ અને પંખીઓેને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જળકુંભી કાઢવાની શરૂઆત: ભૂતકાળમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સુજલામ સુફલામ યોજના હેઠળ આ તળાવમાંથી જળકુંભી કાઢવાની યોજનાનો શુભારંભ થયો હતો. જેમાં મુખ્યમંત્રીએ બોટમાં બેસી જળકુંભી કાઢી કામની શરૂઆત કરાવી હતી અને પાછલા એક બે વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ અમૃત સરોવર યોજનાના નામે હજુ વધારાની ગ્રાન્ટ તળાવ ઊંડા કરવા, માટી કાઢવા અને જળકુંભી કાઢવામાં વાપરવામાં આવી છે.
તંત્રની અને સરકારની બેદરકારીને લીધે આહવાની જીવનદોરી સમાન તળાવને પાછુ પેલા જેવું કરવા અને આહવા શહેરની વિવિધ સમસ્યાઓને લઇને આહવા નગરના આગેવાન અને જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દ્વારા પંચાયતના સરપંચ,સભ્યો તેમજ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યોને લેખિતમાં જાણ કરી છે.