કચ્છ : કચ્છના એલ.એલ.ડી.સી.ખાતે યોજાતા વિન્ટર ફેસ્ટિવલે કચ્છ અને કચ્છ બહારથી આવતા પ્રવાસીઓ પર એક અનોખી છાપ છોડી છે. ભારતના વિવિધ પ્રદેશો-રાજ્યો સાથે યોજાતા આ સંસ્કૃતિક આદાન-પ્રદાનને લોકો તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને હવે લોકો આ વિન્ટર ફેસ્ટિવલની દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોય છે. નોર્થ-ઈસ્ટના રાજ્યો, કાશ્મીર અને હવે મધ્ય પ્રદેશ સાથે આ મહોત્સવ યોજવામાં આવ્યો છે. કચ્છની અસલ ભાતીગળ સંસ્કૃતિ, કચ્છની તમામ હસ્તકળાઓ, કચ્છનું કર્ણપ્રિય લોક સંગીત, કચ્છના વિવિધ જાતિઓના લોક નૃત્યો વગેરે એક સાથે એક જગ્યા પર માણી શકે અને કચ્છની સંપૂર્ણ લોક સંસ્કૃતિથી પરિચિત થાય તેવા હેતુથી શ્રુજને આ દિશામાં એક આગવી પહેલ કરી છે.
વિન્ટર ફેસ્ટિવલનું છઠું વર્ષ : આ વર્ષે આ વિન્ટર ફેસ્ટિવલનું છઠું વર્ષ છે. ગત વર્ષે વિન્ટર ફેસ્ટિવલ વિથ "લિવિંગ લાઈટલી - જર્નીઝ વીથ પેસ્ટોરાલિસ્ટ્સ" સાથે યોજાયું હતું, જેમાં વિવિધ રાજ્યોમાંથી માલધારીઓ અને અન્ય કલાકારો, કારીગરો આવ્યા હતા ઉપરાંત 15 રાજયોના માલધારીઓનું એક મહાસંમેલન પણ યોજાવામાં આવ્યું હતું.
મધ્યપ્રદેશની વિવિધતામાં એકતા : આ વર્ષે કચ્છ સાથે મધ્યપ્રદેશની વિવિધતામાં એકતાની ઉજવણી સાથે 'એલ.એલ.ડી.સી. વિન્ટર ફેસ્ટિવલ 2024 યોજવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદેશ્ય કચ્છના ગ્રામીણ પરંપરાગત ક્રાફ્ટના કારીગરોને એક પ્લેટફોર્મ અને પ્રોત્સાહન પૂરું પાડવાનું છે. આ ફેસ્ટિવલ દ્વારા કચ્છી કલા અને કારીગરો વધુ લોકો સુધી પહોંચશે અને સાથોસાથે કચ્છી ભાતીગળ લોક સંસ્કૃતિ વધુ ઉજાગર થશે. આ વખતે મધ્યપ્રદેશના કલાકારો અને કારીગરો પણ પોતાની કલા તેમજ કારીગરી રજૂ કરશે અને બંને રાજ્યોનું સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ થશે. મધ્ય પ્રદેશના લગભગ 90 જેટલા કલાકારો,કારીગરો આ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યા છે, જેઓ મધ્યપ્રદેશના પ્રસિધ્ધ લોક નૃત્યો, લોક સંગીત, પરંપરાગત હસ્તકળા તેમજ ત્યાનાં પ્રસિધ્ધ પરંપરાગત શાકાહારી ખાણીપીણીને પણ આવરી લેવાયું છે.
આર્જેન્ટિનાના ડેસ્મા ઓરકેસ્ટ્રા સાથે કચ્છી કલાકારોનું ફોક ફ્યુજન : દરરોજ સાંજના એલ.એલ.ડી.સી. ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા છે, જેની શરૂઆતમાં કલાવારસો ટ્રસ્ટના કલાકારો કચ્છી લોકસંગીત પીરસવાના છે અને તેમની સાથે મધ્યપ્રદેશનું ફોક સંગીત રજૂ કરાશે. ત્યાર બાદ કચ્છના જાણીતા એવા સીદી ધમાલ ડાન્સ ગ્રુપ પોતાની વિવિધ નૃત્ય રચનાઓ રજૂ કરશે. એવી જ રીતે પછીના દોરમાં મધ્યપ્રદેશના પ્રખ્યાત એવા અલગ-અલગ રોજના ત્રણ ડાન્સ ગ્રુપ હશે. એ પછીની વિશેષ રજૂઆતમાં આર્જેન્ટિનાના ડેસ્મા ઓરકેસ્ટ્રા સાથે કચ્છી કલવારસો ટ્રસ્ટના કલાકારો ફોક ફ્યુજન રજૂ કરશે.
પદ્મશ્રી પ્રહલાદ ટીપણીયાજી કબીર વાણી પ્રસ્તુત કરશે : વિન્ટર ફેસ્ટિવલમાં 20મી તારીખે વિશેષ રજૂઆતમાં મુંબઈના જાણીતા માટી-બાની (નિરાલી-કાર્તિક શાહ) ગ્રુપના કલાકારો પોતાનું પરફોર્મન્સ રજૂ કરશે. તો 21મી તારીખના અમદાવાદનાં ઈકતારા શબ્દના નામથી જાણીતા હાર્દિક દવે પોતાના આરાધી લોક ગીત-સંગીતથી લોકોને મંત્રમુગ્ધ કરશે, 22મી તારીખે જાણીતા ભજનિક ઓસમાણ મીરનો કાર્યક્રમ રહેશે.23મી તારીખના માલવા મધ્યપ્રદેશના તાપરા ઉપાધ્યાય અને પદ્મશ્રી પ્રહલાદ ટીપણીયાજી કબીર વાણી પ્રસ્તુત કરશે. ઉલ્લેખનીય છે કે દરરોજ કચ્છના અને મધ્યપ્રદેશના જુદા-જુદા ડાન્સ ગ્રુપોની વિવિધ પ્રસ્તુતિઓ પણ રજૂ કરવામાં આવશે.
39 જેટલી વિવિધ હસ્તકલાઓના સ્ટોલ્સ : આ વિન્ટર ફેસ્ટિવલમાં કચ્છ-મધ્યપ્રદેશની વિવિધ હસ્તકલાની ખૂબ મોટી ક્રાફટ બજાર ઊભી કરવામાં આવી છે. આ ફેસ્ટિવલમાં વિશાળ કલરફૂલ ક્રાફટ બજારમાં કચ્છ અને મધ્યપ્રદેશની 39 જેટલી વિવિધ હસ્તકલાઓના સ્ટોલ્સ છે.સાથે અમુક હસ્તકલાઓનો જાતઅનુભવ કરવા માટે તથા શીખવા માટે વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવાસીઓ આ હાટમાં વિવિધ હસ્તકલાઓ જાણી અને માણી શકશે.
2017થી ફેસ્ટિવલનું આયોજન શ્રુજન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ફેસ્ટિવલ 2017થી કરવામાં આવી રહ્યું છે અને આ છઠું વર્ષ છે.સવારે અહીં ક્રાફટ બજાર શરૂ થઈ જતું હોય છે અને સાંજે મધ્યપ્રદેશનું ફૂડ કોર્ટ શરૂ થતું હોય છે.તો રાત્રીના ભાગે ડાન્સ અને મ્યુઝિક પરફોર્મન્સ યોજવામાં આવતા હોય છે.કચ્છના કલાકારો અન કારીગરો તો આ ફેસ્ટીવલમાં હોય જ છે સાથે સાથે અન્ય રાજ્યોના કારીગરો અને કલાકારોને તક આપવામાં આવે છે જેમાં આ વર્ષે મધ્યપ્રદેશ રાજ્યની થીમ પસંદ કરવામાં આવી છે.
દર વર્ષે અનોખું આયોજન : યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના હવાઈના પ્રવાસી સુઝેન કે જે દર વર્ષે આ વિન્ટર ફેસ્ટિવલની મુલાકાત લેવા આવે છે તેને જણાવ્યું હતું કે,ભારતમાં ફરી આવીને ગુજરાતની મુલાકાત કરવી એ એક આનંદની વાત છે અને આ એલ.એલ.ડી.સી. મ્યુઝિયમમાં પ્રદર્શિત થતી કળાને માણવી પણ એક અનોખો લહાવો છે. દર વર્ષે આ મ્યુઝિયમની મુલાકાત અને આ ફેસ્ટિવલનું આયોજન અનોખું અને વિશિષ્ટ થતું હોય છે.આ મ્યુઝિયમ દ્વારા કલાકારો, પ્રવાસીઓ માટે જે પ્રયત્નો કરવામાં આવે છે તે ખરેખર સરાહનીય છે.