કચ્છ: ધોરડોના રણોત્સવ વિસ્તાર ખાતે સબરસ બસ સ્ટેશનથી વોચ ટાવર સુધીના વિસ્તારમાં તથા વોચ ટાવરની આસપાસના સફેદ રણ વિસ્તારમાં ખાનગી વાહનોના પ્રવેશ ઉ૫ર સંપૂર્ણ પ્રતિબંધ મૂકીને 'Restricted Zone' (રિસ્ટરીકટેડ ઝોન) જાહેર કરવામાં આવ્યો છે. આમ, જો કચ્છના સફેદ રણમાં તમે પોતાના ખાનગી વાહન લઇને જશો તો તમારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે. આ નિર્ણય પાછળનું કારણ એ છે કે, લોકો પોતાની ગાડી સાથે ફોટો ખેંચવા ગાડી સફેદ રણમાં ઉતારતા હોય છે ત્યારબાદ ગાડી ફસાઈ જતાં સફેદ રણમાં નુકસાની થાય છે સાથે સાથે ગાડીને બહાર કાઢવા પણ અન્ય લોકોને જેહમત ઉઠાવવી પડતી હોય છે. પરિણામે આ જેના કારણે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
કચ્છના સફેદ રણ ખાતે રણોત્સવનું આયોજન: સરહદી જિલ્લા કચ્છમાં ભૌગોલિક વૈવિધ્યનો ઉત્તમ ખજાનો જોવા મળે છે જેના લીધે આ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્ય સરકારના સહયોગ સાથે ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા દર વર્ષે કચ્છના સફેદ રણ ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે 4 થી 4.5 લાખ પ્રવાસીઓ દેશ-વિદેશથી અહીં મુલાકાતે આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે ૫ણ ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન 125 દિવસ માટે કરવામાં આવ્યું છે.
ખાનગી વાહનોને સફેદ રણમાં પ્રવેશ બાબતે Restricted Zone: રણોત્સવ દરમિયાન સફેદ રણમાં આવતા જતા પ્રવાસીઓ જાણતા-અજાણતા રણ વિસ્તારની અંદર પોતાના વાહનો લઈ જતા હોય છે. આ દરમિયાન ક્યારેક ખાનગી વાહનો રણમાં ફસાઈ જતા હોય છે જેને રેસ્કયુ કરવાની ફરજ પડતી હોય છે. ફસાયેલા વાહનો રેસ્ક્યુ કરતા વાહનોનો ટાયર રણમાં ગરકાવ થઈ જતા બહાર કાઢતા સમયે સફેદ રણની સુંદરતા, સ્વચ્છતા, પર્યાવરણીય ૫રિસ્થિતિને નુકસાન થાય છે. રણમાં ફસાતા ખાનગી વાહનોની સમસ્યાના ઉકેલ માટે અને સફેદ રણની સુંદરતા, સ્વચ્છતા તેમજ ૫ર્યાવરણીય ૫રિસ્થિતિ જળવાઈ રહે તે માટે સફેદ રણ અને તેના આસપાસના વિસ્તારને ખાનગી વાહનો માટે ''Restricted Zone'' તરીકે જાહેર કરવો જરૂરી જણાઈ આવ્યું છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ જાહેરનામું: કચ્છ કલેક્ટર અમિત અરોરાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ કચ્છ જિલ્લાની હદમાં આવેલા ભુજ તાલુકાના ધોરડો રણોત્સવ વિસ્તાર ખાતે સબરસ બસ સ્ટેશનથી વોચ ટાવર સુધીના વિસ્તારમાં તથા વોચ ટાવરની આસપાસના સફેદ રણ વિસ્તારમાં ખાનગી વાહનોના પ્રવેશ ઉ૫ર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો છે અને આ વિસ્તારને Restricted Zone તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાર્યવાહી: ઉલ્લેખનીય છે કે, કલેક્ટરના આ જાહેરનામામાંથી સરકારી ફરજ પરના વાહનો, ફાયર ફાઈટર, ઈમરજન્સી મેડીકલ સર્વિસીસના વાહનો, ૫રવાનગી આ૫વામાં આવેલા હોય તેવી બસો અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક, ભુજ/સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા અધિકૃત કરવામાં આવેલ વાહનોને મુક્તિ આપવામાં આવશે. તો આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે. તમને જણાવી દઈએ કે, આ જાહેરનામું 27મી જાન્યુઆરી 2025 સુધી અમલમાં રહેશે.
અગાઉ અનેક વખત ગાડીઓ સફેદ રણમાં ફસાઈ છે: કચ્છના સફેદ રણમાં લોકો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા માટે અહીં ફોટોશૂટ, પ્રી વેડિંગ શૂટ તેમજ રીલ્સ પોસ્ટ કરવા માટે પોતાના વાહનો સફેદ રણમાં લઈ જતા હોય છે અને ત્યારબાદ વાહનો સફેદ રણમાં ફસાઈ જતાં હોય છે. પરિણામે સફેદ રણમાં નુકસાની થતી હોય છે. આ ઉપરાંત સ્થાનિકો પાસેથી રેસ્કયુ કરવા માટે મદદ લેવામાં આવતી હોય છે જેમાં સ્થાનિક ઊંટ ગાડી કે ઘોડા ગાડીવાળા વેપારીઓ પ્રવાસીઓ પાસેથી ઊંચી રકમ લઈ રીતસરના લૂંટીને તેમની ગાડીઓ સફેદ રણમાંથી બહાર કાઢી આપતા હોય છે. જોકે હવે જાહેરનામા બાદ કોઈ પણ ખાનગી વાહનો સફેદ રણમાં જશે જ નહીં જેથી સફેદ રણની સુંદરતા પણ જળવાઈ રહેશે.
આ પણ વાંચો: