કચ્છ : હિંદુ ધર્મમાં ભગવાન ગણેશનું સ્થાન સૌથી મહત્વપૂર્ણ છે. કોઈપણ શુભ પ્રસંગમાં સૌપ્રથમ ગણેશજીને પૂજવામાં આવે છે. ગણેશ ચતુર્થી દરમિયાન લોકો પોતાની યથા શક્તિ મુજબ 3 દિવસથી 10 દિવસ સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના કરતા હોય છે. ગણેશ ચતુર્થી આવતા જ ગણેશજીનું સ્વાગત કરવા માટે ભક્તો ઉત્સુકતા સાથે તૈયારી કરતા હોય છે. તેમજ દરેક ઘરમાં મોદક બનાવવાનું શરૂ થઈ જાય છે.
![સુગર ફ્રી મોદકથી અનંત રેન્જ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-09-2024/22409915_1_aspera.jpg)
બાપ્પાને પ્રિય મોદકનો ભોગ : ગણેશ ચતુર્થી આવે એટલે ગણપતિ બાપા સાથે સૌના પ્રિય એવા મોદક પણ મીઠાઈની દુકાનોમાં જોવા મળતા હોય છે. ગણેશ મહોત્સવ દરમિયાન શ્રીજી ભક્તો પંડાલ અને ઘરે સ્થાપિત કરતા ગણપતિને મોદકનો ભોગ ધરાવે છે. હાલ ભુજમાં મીઠાઈની દુકાનોમાં 12 થી 15 પ્રકારના વિવિધ મોદક છવાઈ ચૂક્યા છે. લોકો પોત પોતાની પસંદ પ્રમાણે કલરફૂલ અને વિવિધ ફ્લેવર્સ વાળા મોદક ગણેશજીને ધરાવી રહ્યા છે.
![નેચરલ ઇન્ગ્રેડિએન્ટ્સનો ઉપયોગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-09-2024/22409915_2_aspera.jpg)
કલરફૂલ અને ફ્લેવરવાળા મોદક : ગણેશ મહોત્સવ દરમિયાન ગણપતિ બાપ્પાને રોજ વિવિધ પ્રકારની પ્રસાદીનો ભોગ ધરાવવામાં આવે છે. ગણપતિ બાપ્પાને સૌથી વધુ પ્રિય એવા મોદકનો ભોગ ભક્તો ધરાવતા હોય છે. જેમાં એક દિવસ ચૂરમાના લાડુ, એક દિવસ મોદક, એક દિવસ મોતીચૂરના લાડુ, એક દિવસ ગોળના મોદક અને માવાના મોદક વગેરે પ્રસાદ ધરાવે છે. ભક્તોને મોદકની પસંદગી માટે અનેક વિકલ્પો મળી રહે તે માટે મીઠાઈ વિક્રેતાઓ પણ વિવિધ પ્રકારના ફ્લેવર્સના મોદક લાવ્યા છે.
![બાપ્પાને પ્રિય મોદકનો ભોગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-09-2024/22409915_3_aspera.jpg)
સુગર ફ્રી મોદકથી અનંત રેન્જ : ભુજમાં મીઠાઈ વેપારીઓ ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને સાદા મોદક, ચુરમાના મોદક, ગોળના મોદક, મોતીચૂર, ટોપરા, માવા, ચોકલેટ, સ્ટ્રોબેરી, ટુટીફ્રુટી, બટર, ડ્રાયફ્રુટ, પાન, ઠંડાઈ, બટરસ્કોચ, ઓરિયો, બિસ્કોફ, બ્રાઉની, કેસર, ચોકલેટ ચિપ્સ ઉપરાંત સુગર ફ્રી મોદક, ફ્રૂટ મોદક, ઘનઘોર મોદક તેમજ બાફેલા અને તળેલા મોદક વહેંચી રહ્યા છે. સાથે જ જુદી જુદી વેરાયટીના મોદકનું વેચાણ કરી રહ્યા છે.
![કલરફૂલ અને ફ્લેવરવાળા મોદક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-09-2024/22409915_4_aspera.jpg)
ફ્લેવર્ડ મોદકનો ભાવ : દરેક વયજૂથના લોકોને પસંદ આવે એટલે કે નાની ઉંમરના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ પોતાની પસંદ મુજબ મોદકની ખરીદી કરીને ભગવાન ગણેશજીને ભોગ ધરાવી શકે તેવા મોદક બનાવવામાં આવ્યા છે. મોદકના ભાવની વાત કરવામાં આવે તો 480 રૂપિયાથી લઈને 1200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મોદકનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. કચ્છી મોદકની સાથે સાથે ડ્રાયફ્રૂટ મોદક અને ટ્રેડિશનલ મોદકની માંગ વધારે જોવા મળે છે.
![ફ્લેવર્ડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-09-2024/22409915_5_aspera.jpg)
નેચરલ ઇન્ગ્રેડિએન્ટ્સનો ઉપયોગ : ખાસ કરીને જ્યારે વિવિધ ફેન્સી ફ્લેવર્સ જેવા કે ચોકલેટ, સ્ટ્રોબેરી, બીસ્કોફ, પાન, કેસર જેવા ફ્લેવર્સના મોદક માટે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોઈ પણ આર્ટિફિશિયલ ફ્લેવર્સ કે કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. નેચરલ ઇન્ગ્રિડેનટ્સનો ઉપયોગ અને નેચરલ ફ્લેવર્સનો ઉપયોગ કરીને જ મોદક બનાવવામાં આવી રહ્યા છે.